- રેલવેમાં નોકરી કરતી પ્રેમિકાએ સાથે રહેતા પ્રેમિનુ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઇ
- મકરપુરા પોલીસે હત્યાના આ બનાવમાં હત્યારી પ્રેમિકા મંગેતરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
મળતી માહિતી પ્રમાણે શહેરના પ્રતાપનગર રેલ્વે કોલોનીમાં રહેતા 23 વર્ષીય યુવાન સચિન ગણપતભાઈ રાઠવા ( મૂળ રહે. રોઝકુવા ગામ, છોટાઉદેપુર)નું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. મૃતકના પિતા ગણપતભાઈએ પુત્રના મોત અંગે મંગેતર રેખા સકુભાઈ રાઠવા પર આશંકા વ્યક્ત કરી હતી.
પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, સચિન મારો એકનો એક દીકરો ઊંઘમાં કેવી રીતે મરી જાય. આ અંગે તપાસ કરવા માટે માંગ કરી હતી.
જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમિકા રેખા અને સચિન વચ્ચે પ્રેમ સંબંધ હતો, તે બાદ તેઓની સગાઇ થઇ હતી. સગાઇ થયા બાદ સચિન પ્રેમિકામાંથી મંગેતર બનેલી રેખા રેલવેમાં નોકરી કરતી હોવાથી તે પ્રતાપનગર રેલવે કોલોનીમાં સાથે રહેતો હતો.
મંગેતર સાથે કોલોનીમાં રહેવા ગયેલા સચિનને રેખાને અન્ય યુવાન સાથે પ્રેમ હોવાની શંકા ગઇ હતી. આ બાબતને લઇને બંને વચ્ચે ખટરાગ શરૂ થયો હતો. આ ખટરાગ વચ્ચે રેખાએ સચિનને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ અંગેની જાણ સચિને તેના પિતાને પણ કરી હતી.
દરમ્યાન સચિનનું નિંદ્રાધીન અવસ્થામાં મોત નિપજતાં પિતાએ પોલીસને રેખાએ જ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમા સચિનની ગળું દબાવાથી ગુંગળામણથી મોત નિપજ્યું હોવનુ બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
એવામાં મંગેતર સચિનને મોતને ઘાટ ઉતારનાર રેખાએ સચિનનું ઉંઘમા મોત નિપજ્યું હોવાનુ જણાવી પોલીસને ગોળગોળ ફરાવી રહી હતી. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમા સચિનની હત્યા થઇ હોવાની વિગતો બહાર આવતા પોલીસે રેખાની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તે ભાગી પડી હતી અને સચિનની હત્યા ગળું દબાવીને કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.
દરમિયાન મકરપુરા પોલીસે મંગેતરની હત્યા કરનાર રેખા સકુભાઇ રાઠવાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. રેખાની વધુ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શકયતાઓને નકારી શકાય તેમ નથી.