- ચિકન રોલ ખાવાથી મોત: પાલેજની સાગર હોટલમાંથી લાવેલ ચિકન રોલ ખાધા બાદ 14 વર્ષીય કિશોરનું ફૂડ પોઈઝનિંગથી કરુણ મોત.
- પરિવારના ચાર સભ્યો બીમાર: કિશોરની સાથે તેના માતા, પિતા અને બહેનને પણ ઝાડા-ઉલટીની ગંભીર તકલીફ થઈ હતી.
- વડોદરા SSG હોસ્પિટલમાં દમ તોડ્યો: પાલેજ અને ભરૂચ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડાયેલા કિશોરને બચાવી શકાયો નહીં.
- તંત્રની સઘન તપાસ: ઘટનાની ગંભીરતા સમજીને પાલેજ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હોટલ અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે તપાસ શરૂ કરાઈ છે.
ભરૂચ/પાલેજ: ભરૂચ જિલ્લાના પાલેજ વિસ્તારમાંથી ફાસ્ટફૂડના શોખીનોને હચમચાવી નાખતી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. પાલેજમાં ચિકન રોલ આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થવાથી 14 વર્ષીય સગીર પુત્રનું સારવાર દરમિયાન મો-ત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય સભ્યો પણ બીમાર પડ્યા છે. આ બનાવને પગલે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દોડધામ શરૂ કરી છે.
❓શું હતી સમગ્ર ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, પાલેજ સ્થિત એસ.કે.નગર ખાતે રહેતા અંકિતભાઈ દિનેશભાઈ પટેલનો 14 વર્ષીય પુત્ર પૂર્વ કુમાર ધોરણ-6 માં અભ્યાસ કરતો હતો અને હાલ સાસરોદ ગામે રહેતો હતો. ગત 8 ઓગસ્ટના રોજ સાંજના સમયે પૂર્વ કુમાર અને તેની બહેન મોનિકા પાલેજ આમલી સ્ટેન્ડ પાસે આવેલી ‘સાગર હોટલ’માંથી ચિકન રોલ ખરીદીને ઘરે ગયા હતા. આ ચિકન રોલ પરિવારના ચાર સભ્યો – પુત્ર પૂર્વ કુમાર, તેની બહેન, માતા અને પિતાએ સાથે મળીને ખાધા હતા.
🚨તબિયત લથડતા હોસ્પિટલ દોડવું પડ્યું:
ભોજન લીધાના બીજા જ દિવસે પરિવારના ચારેય સભ્યોની તબિયત અચાનક લથડી હતી અને તેમને ઉલટી-ઝાડાની તકલીફ શરૂ થઈ ગઈ હતી. રવિવાર હોવાથી શરૂઆતમાં ઘરે જ પ્રાથમિક સારવાર લીધા બાદ, તા. 10 ઓગસ્ટના રોજ સવારે તમામને પાલેજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પૂર્વ કુમારની તબિયત વધુ નાજુક બનતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વડોદરાની અત્યંત ખ્યાતનામ એસ.એસ.જી. (SSG) હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યો હતો.
🧐પરિવારમાં શોકનું મોજું અને તંત્રની તપાસ:
એસ.એસ.જી. હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન કિશોર પૂર્વ કુમારે અંતિમ શ્વાસ લીધા હતા. માત્ર 14 વર્ષની નાની વયે એકનો એક દીવાન ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. આ ગંભીર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાલેજ પોલીસે અકુદરતી મો-તના કાગળો તૈયાર કરી તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ સંબંધિત હોટલ સામે નમૂના લઈને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.