રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં તંત્રની બેદરકારીને કારણે અકસ્માતો અને દુર્ઘટનાની વણઝાર ચાલી છે. મોરબીની પુલ દુર્ઘટના હોય કે રાજકોટ TRB ગેમઝોન કાંડ, તંત્ર હવે દુર્ઘટનાઓ બાદ જ પોતાની જાગૃતતા દર્શાવે છે. વડોદરામાં હરણી લેક્ઝોન દુર્ઘટનામાં માસુમોના જીવ ગયા બાદ તંત્રને ગેમઝોન અને જોખમી રાઈડ સીલ કરવાનું બ્રહ્મજ્ઞાન થયું હતું. જ્યારે હવે ડીસામાં ફટાકડાની ફેકટરીમાં લાગેલી આગ બાદ શહેર પોલીસ ફટાકડાની દુકાનોમાં ચેકીંગ કરવા નીકળી ગઈ છે. અને આ ચેકીંગને સરપ્રાઈઝ ચેકીંગ નામ આપવામાં આવ્યું છે.
ડીસામાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાંની ફેકટરીમાં વિસ્ફોટ થતા 21 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. જે ઘટના બાદ દરેક શહેરના સ્થાનિક સશકોને વિસ્તારમાં ચેકીંગ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. રહેણાંક વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીનું શું વ્યવસ્થા છે તેનું ચેકીંગ પોલીસ કરી રહી છે. હકીકતમાં ફાયર સેફટીના ચેકીંગની જવાબદારી સ્થાનિક ફાયરબ્રિગેડની હોય છે.
ગત રોજ શહેરના રાવપુરા પોલીસે ગીચ વિસ્તારમાં ચાલતી ફટાકડાંની દુકાનોમાં ફાયર સેફટીના સાધનોનો “સરપ્રાઈઝ ચેકીંગ” કરી હતી. ડીસાની દુર્ઘટના બાદ ફટાકડાના વેપારીઓ પણ સમજી ગયા હતા કે, તેઓ પર કોઈને કોઈ રીતે તવાઈ આવવાની છે. જેથી ફાયર સેફટીની તમામ તકેદારીઓ રાખી લેવામાં આવી હતી. પણ પોલીસે દુર્ઘટના બાદ સફાળા જાગીને કરેલા ચેકીંગને સરપ્રાઈઝ ચેકીંગ નામ આપવામાં આવ્યું હતું. પોલીસે દુર્ઘટના પહેલા ચેકીંગ કર્યું હોત તો માનવામાં આવે કે તંત્ર જાગૃત છે. પણ અહીં આગ લાગ્યા બાદ કૂવો ખોદવા નીકળેલા પોલીસ તંત્રની પોલ ખુલી જવા પામી છે.