ભાજપનું બોર્ડ બનશે તો ડભોઇ APMC પરિસરમાં નવું શોપિંગ સેન્ટર પણ બનશે?
ડભોઇ APMCની ચુંટણીમાં ભાજપના મેન્ડેડમાં કોંગ્રેસના ઉમેદવારોના નામો સામે આવ્યા બાદ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 6 જેટલા મૂળ કોંગ્રેસના સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરીને ચુંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેના કારણે સહકારી ક્ષેત્રમાં જે વર્ષોથી દિલીપ નાગજી જૂથનું એટલે કે કોંગ્રેસ જૂથનું વર્ચસ્વ હતું તે જૂથના 6 સભ્યોએ આજે વિધિવત રીતે ભાજપની શરણાગતિ સ્વીકારી લીધી છે.
ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડમાં જાહેર થયેલા નામોમાં કેટલાક નામો કોંગ્રેસના જુના હોદ્દેદારોના હોવાનું ધ્યાને આવતા હવે ભાજપે તેઓને વિધિવત રીતે સ્વીકારી લીધા છે. APMCની ચુંટણીના ઉમેદવારી ફોર્મ ભરતા સમયે તમામ ઉમેદવારો ભાજપનો ખેસ ધારણ કરીને ઉમેદવારી કરતા નજરે પડ્યા હતા. જયારે 40 વર્ષથી કોંગ્રેસના દબદબાનો અંત આવ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના અગ્રણી દિલીપ નાગજી પટેલની તબિયત નાદુરસ્ત હોવા છતાંય તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને તેઓ પણ ભાજપમાં વિધિવત જોડાઈ જવા માટે સહમત થયા છે.
આ સાથે વેપારી વિભાગના મૂળ કોંગ્રેસના કેટલાક ઉમેદવારો અને સહકરી ખરીદ વેચાણ મંડળી માંથી પણ ભાજપના મેન્ડેટ પર ઉમેદવારી કરતા પ્રવીણભાઈ પટેલ(ટીંબી)એ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપની શરણાગતિ સ્વીકારી છે. મહત્વની વાત એ છે કે, ભાજપે ડભોઇ APMCની ચુંટણી માટે દિલીપસિંહ પરમાર (શેરખી) અને ભરત પટેલ (ધાવટ)ને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા બે દિવસ પહેલા કોન્સેસ પ્રક્રિયામાં 14 જેટલા મૂળ ભાજપના આગેવાનોએ ચુંટણી લડવા માટે તૈયારી દર્શાવી હતી. જોકે કોંગ્રેસના ગઢ ગાબડું પાડવું શક્ય ન હોવાને કારણે આખે આખી કોંગ્રેસની પેનલને જ ભાજપમાં વિલીનીકરણ કરી દઈને ચુંટણી બિનહરીફ કરવા માટેના તમામ આયોજનો ગોઠવી દેવામાં આવ્યા છે.