વડોદરા જીલ્લામાં સહકારી એકમોની ચૂંટણીઓની મૌસમ ખીલી છે. પાદરા APMCની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજથી ડભોઇ APMCની ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું શરુ થશે. જોકે સત્તા પક્ષ ભાજપની મેન્ડેટ પ્રથાને કારણે ડભોઇ APMCની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા મામલે અસમંજસની સ્થિતિ સર્જાતા મૂળ કોંગ્રેસના સહકારી અગ્રણીઓને પણ ભાજપના મેન્ડેટમાં સ્થાન આપતા ભારે ચર્ચા જાગી છે.
સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટ પ્રથા તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેનો કેટલાક સહકારી અગ્રણીઓએ વિરોધ પણ કર્યો હતો. સી.આર પાટીલે જયારે પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ છોડ્યો ત્યારે પણ કટાક્ષ કર્યો હતો કે, કોંગ્રેસ સાથે હાથ મિલાવીને ચુંટણી લડતા સહકારી અગ્રણીઓને ટોણો પણ માર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “સહકારમાં એક મેન્ડેટ પ્રથા આવી, કેટલાક લોકોને જરૂરી નાં ગમ્યું, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા તેમને ચોક્કસ ના ગમ્યું,અપ્રચાર પણ કર્યો. કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ. મેં અમને કહ્યું, તો MLAમાં શાના માટે મેન્ડેટ આપવા જોઈએ? જે જીતીને આવે તે આપણો!…”
આ કટાક્ષ કેટલાક ભાજપના સહકારી નેતાઓ પર સી.આર પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો. ભાજપના મેન્ડેટ પર ભાજપના સહકારી નેતાઓ ચુંટણી લડે અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને મેન્ડેટનો અનાદર ન કરે તે માટે આ નિવેદન આપવામાં આવ્યું હતું. જોકે સી.આર પાટીલે સત્તા છોડતાની સાથે જ ભાજપના મેન્ડેટમાં મૂળ કોંગ્રેસના અને હાલ પણ કોંગ્રેસના વફાદારોને સ્થાન મળી જતા “શેઠની શિખામણ ઝાંપા સુધી” જેવો ઘાટ સર્જાયો છે.
ડભોઇ APMCની ચુંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા જીલ્લા દ્વારા પોતાના ઉમેદવારોના મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા જે મેન્ડેટ જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા. ભાજપના મેન્ડેટમાં ખેડૂત વિભાગના આશરે 6 ઉમેદવારો મૂળ કોંગ્રેસના છે. અને ભાજપના પ્રાથમિક સભ્ય પણ નથી. છતાંય તેઓને ભાજપના મેન્ડેટમાં સ્થાન મળ્યું છે.
આ અંગે જીલ્લા ભાજપ અધ્યક્ષ રસિક પ્રજાપતિને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે,મૂળ કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ભાજપના નેતાઓ સાથેના સબંધોને કારણે અમને જણાવ્યું કે, અમારે તમારી પેનલ માંથી લડવું છે એટલે ભાજપે તેઓને મેન્ડેટ આપ્યા છે. ડભોઇ APMCમાં ક્યારેય ભાજપની પેનલ સત્તામાં આવી નહતી. અને કોંગ્રેસના લોકો ભાજપ સાથે ચુંટણી લડવા માંગતા હોય તો ભાજપ દ્વારા તેઓને મેન્ડેટ આપવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, ડભોઇ APMCની ચુંટણી માટે ભાજપે નિરીક્ષકોની નિમણુક કરીને નિયમ પ્રમાણે કોન્સેસ પ્રક્રિયા પણ હાથ ધરી હતી. જેમાં મૂળ ભાજપના 14 જેટલા સહકારી અગ્રણીઓ અને સ્થાનિક નેતાઓએ ચુંટણીમાં ઝંપલાવવાની ઈચ્છા દર્શાવી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ પ્રક્રિયામાં જે 14 અગ્રણીઓએ ભાગ લીધો હતો તેમાંથી એક પણ વ્યક્તિને ઉમેદવારી મળી નથી. ભાજપના આગેવાનો ચુંટણી લડવા માટે તૈયાર હોવા છતાંય કોંગ્રેસના સહકારી આગેવાનો સાથે ભાજપે ગઠબંધન કરવાની ફરજ કેમ પડી તે પ્રશ્ન ઉભો થાય છે!