- વિદ્યાર્થીનું કરૂણ મો*ત: ન્યૂએરા સ્કૂલમાં ફ્લડ લાઈટના થાંભલા પરથી બોલ લેવા જતા ધો.૧૧ ના વિદ્યાર્થી દેવ શાહનું કરંટ લાગવાથી મૃ-ત્યુ.
- સેફટી ઓડિટ ફરજિયાત: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી રિપોર્ટ આપવા તાકીદ કરાઈ.
- MGVCL ની તપાસ: પ્રાથમિક પંચનામામાં જર્જરિત વાયરિંગ અને ફેન્સિંગમાં કરંટ લિક હોવાની શક્યતા સામે આવી.
- સંચાલકો સામે કાર્યવાહીના એંધાણ: જો સ્કૂલની બેદરકારી સાબિત થશે તો કડક પગલાં લેવાશે, મંગળવારથી શાળા શરૂ થાય તે પહેલા વીજ પુરવઠો પુનઃ ચાલુ કરાયો.
વડોદરા: વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી જાણીતી ન્યૂએરા સ્કૂલમાં વિદ્યાર્થીઓની સલામતી સામે ગંભીર સવાલો ઊભા કરતી એક અત્યંત દ્રાવક ઘટના સામે આવી છે. ૧૫ ઓગસ્ટના રોજ સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતી વખતે ધોરણ ૧૧ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દેવ શાહ ફ્લડ લાઈટના થાંભલા પર ચઢીને બોલ ઉતારવા ગયો હતો, તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગવાથી તેનું કરૂણ મો*ત નીપજ્યું હતું. આ ચકચારી ઘટના બાદ હવે શિક્ષણ વિભાગ અને વીજ કંપની સફાળા જાગ્યા છે.
🧐DEO કચેરીનો કડક આદેશ અને MGVCL ની તપાસ:
આ ગંભીર દુર્ઘટના બાદ ડીઈઓ કચેરી દ્વારા શહેરની તમામ શાળાઓને ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવીને તેના સર્ટિફિકેટ્સ ફરજિયાત રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ઇન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, સ્કૂલની તપાસ માટે ટીમ મોકલવામાં આવી છે અને એમજીવીસીએલ (MGVCL) પાસે પણ અભિપ્રાય માંગવામાં આવ્યો છે. જો આ મામલામાં સ્કૂલ સંચાલકોની કોઈ પણ પ્રકારની બેદરકારી સાબિત થશે તો તેમની સામે કસૂરવાર તરીકે નિશ્ચિતપણે કડક કાર્યવાહી કરવામાં આવશે. સલામતી બાબતે શાળાઓને અગાઉ પણ વારંવાર પરિપત્રો પાઠવવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
⚡MGVCL ના પ્રાથમિક પંચનામામાં ખુલાસો:
ઘટના બાદ MGVCL ની ટીમ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ અને પંચનામામાં બહાર આવ્યું છે કે, સ્કૂલના મેદાનની આસપાસ પાર્કિંગ માટેના પતરાના ફેબ્રિકેશનમાં થઈને પસાર થતું વાયરિંગ અત્યંત જર્જરિત હાલતમાં હતું અને વાયરિંગ પરનું ઇન્સ્યુલેશન પણ કપાઈ ગયું હતું. સ્કૂલની ફેન્સિંગમાં પણ કરંટ લિક થયેલો જોવા મળ્યો હતો, જેના કારણે વાયરિંગના ફોલ્ટના લીધે આ હોનારત સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.
દુર્ઘટના બાદ MGVCL દ્વારા સ્કૂલનો વીજ સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો, પરંતુ સોમવારે શાળામાં રજા હોવા છતાં મંગળવારથી શિક્ષણ કાર્ય પૂર્વવત થાય તે પૂર્વે સોમવારે સાંજે જ સ્કૂલનો વીજ સપ્લાય ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.