- વિશાળ માત્રામાં દારૂનો જથ્થો: રૂ. 51.61 લાખનો વિદેશી દારૂ અને 10 લાખનું કન્ટેનર મળી કુલ રૂ. 61.61. લાખનો મુદ્દામાલ જપ્ત.
- પોલીસનો ફિલ્મી પીછો: પાદરાથી બોડકા સુધી પોલીસ અને બુટલેગરો વચ્ચે પીછો થયો, ડ્રાઈવર કન્ટેનર મૂકીને ફરાર.
- ઓપરેશન પરાક્રમ: વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશન અને અસામાજિક તત્વો સામે ચાલી રહેલી કડક કાર્યવાહીનું પરિણામ.
- તપાસ તેજ: દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને ડિલીવર થવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
વડોદરા/કરજણ: વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનેગારો અને બુટલેગરો સામે ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ હાથ ધરવામાં આવેલા અભિયાનમાં પોલીસને મોટી સફળતા મળી છે. વડોદરા એલ.સી.બી.ની ટીમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
❓શું હતી ઘટના?
વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને એલ.સી.બી. પી.આઈ. પી.જે. ખરસાણના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ કરજણ અને પાદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા ટોલનાકા નજીક શંકાસ્પદ હાલતમાં એક બંધ બોડીનું ટાટા કન્ટેનર (નંબર DD 01 K 9332) પસાર થતું જોવા મળ્યું હતું. પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કન્ટેનર પુરઝડપે હંકારી મૂક્યું હતું.
🧐પીછો કરી કન્ટેનર ઝડપાયું:
પોલીસે કન્ટેનરનો પીછો કર્યો હતો, દરમિયાન ચાલકે બોડકા ટોલનાકા પાસે યુ-ટર્ન મારી મુંબઈ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બોડકાથી સાપા જવાના ઓવરબ્રિજ પાસે પોલીસની સજાગતા જોઈ ચાલક કન્ટેનરને રસ્તાની સાઈડમાં ઉભું રાખીને અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે કન્ટેનરની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 8,772 બોટલ મળી આવી હતી.
🚨મુદ્દામાલ અને કાર્યવાહી:
પોલીસે દારૂનો આ જથ્થો (કિંમત રૂ. 51,61,320/-) અને કન્ટેનર (કિંમત રૂ. 10,00,000/-) મળી કુલ રૂ. 61,61,320/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે કન્ટેનર ડ્રાઈવર તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ હવે નાસી ગયેલા ડ્રાઈવર અને આ નેટવર્કના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે કવાયત કરી રહી છે.