આચાર્યશ્રી જયદિપસિંહ માત્ર ભૌતિક સુવિધાઓ પર જ અટક્યા નહીં, તેમણે શિક્ષણના સ્તરમાં પણ ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે.
ગોહિલ જયદિપસિંહ રાયસંગભાઇએ અથાક પ્રયત્નો થકી કર્યો લાકોદરા પ્રાથમિક શાળાનો કાયાકલ્પ
આચાર્યશ્રી જયદિપસિંહ ગોહિલે પોતાની ત્રણેય દીકરીઓને પણ લાકોદરા પ્રાથમિક શાળામાં જ ભણાવી
આજના શિક્ષક દિન નિમિત્તે આપણે એક એવા શિક્ષકની વાત કરીશું, જેમણે માત્ર નોકરી જ નહીં, પરંતુ એક મિશન તરીકે પોતાની ફરજ નિભાવી અને એક શાળાનું ચિત્ર જ બદલી નાખ્યું. આ વાત છે ગોહિલ જયદિપસિંહ રાયસંગભાઇની, જેમણે લાકોદરા પ્રાથમિક શાળાને એક નવી ઓળખ અપાવી.
આજે વાત કરવી છે વડોદરાના HTAT શ્રેણીમાં સન્માનવામાં આવનાર કરજણ તાલુકાના કર્મનિષ્ઠ આચાર્યશ્રી જયદીપસિંહ ગોહિલની. આચાર્ય જયદિપસિંહ, વર્ષ ૨૦૦૦ માં શિક્ષક તરીકે અને વર્ષ ૨૦૧૨ થી આચાર્ય તરીકે લાકોદરા પ્રાથમિક શાળામાં જોડાયા હતા. તે સમયે શાળામાં સેનિટેશન અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ અપૂરતી હતી.
Advertisement
શાળાના બાળકોને શ્રેષ્ઠતમ વાતાવરણ અને સુવિધાઓ પૂરી પાડવામાં જયદિપસિંહ અને તેમના સાથી શિક્ષકોએ ગામલોકોના સહકારથી, લગભગ ૧૫૦૦ ટ્રેક્ટર માટી પુરાવીને શાળાનું કેમ્પસ ૫ ફૂટ ઊંચું કર્યું. સમગ્ર શિક્ષા અભિયાન, વડોદરાના સહકારથી નવા વર્ગખંડો, સેનિટેશન, કમ્પાઉન્ડ વોલ અને વૃક્ષારોપણ થકી ઉપવન પણ ઊભું કર્યું છે. આ પ્રયાસોનું ફળરૂપે શાળાને ૨૦૧૬-૧૭ અને ૨૦૨૧-૨૨ માં સ્વચ્છતા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી.
આચાર્યશ્રી જયદિપસિંહ માત્ર ભૌતિક સુવિધાઓ પર જ અટક્યા નહીં, તેમણે શિક્ષણના સ્તરમાં પણ ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. શાળામાં વાંચન, લેખન અને ગણનનું સ્તર ૯૨% થી ઉપર પહોંચી ગયું છે. જ્યારે વિજ્ઞાન મેળામાં શાળાએ રાજ્ય કક્ષાએ ૧ વખત, જિલ્લા કક્ષાએ ૩ વખત અને તાલુકા કક્ષાએ ૧૦ વખત સિદ્ધિ મેળવી છે.
આટલુ જ નહીં, બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહન આપીને રજાઓ અને વેકેશનમાં પણ ક્લાસ ચલાવ્યા, જેના પરિણામે જવાહર નવોદય વિદ્યાલય ૩ બાળકો, CET માં ૧૫ બાળકો, GYANSDHANA માં ૧૨ બાળકો અને NMMS માં ૮ બાળકો મેરીટમાં આવ્યા તથા તેમને સરકાર તરફથી આર્થિક લાભ પણ મેળવ્યા છે.
જયદિપસિંહની દ્રષ્ટિ માત્ર શાળા પૂરતી સીમિત નથી. તેમણે પર્યાવરણ અને સામાજિક જવાબદારી અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત, વર્મી કમ્પોસ્ટ ખાતર, રેન વોટર હાર્વેસ્ટિંગ સહિતની અનેક પ્રવૃતિઓમાં નવતર પહેલ થકી શાળાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આચાર્યશ્રીએ ગામના યુવાનોને વ્યસનમુક્તિ, સજીવ ખેતી, વૃક્ષારોપણ અને સ્વચ્છતા માટે પ્રેરણા આપી છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાની ત્રણેય દીકરીઓને પણ આજ શાળામાં ભણાવી, જે તેમનો પોતાની શાળા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.
Advertisement
આજે લાકોદરા પ્રાથમિક શાળા માત્ર એક શિક્ષણનું મંદિર નથી, પરંતુ તે જયદિપસિંહ જેવા કર્મનિષ્ઠ શિક્ષકની મહેનત, લગન અને સમર્પણનું જીવંત ઉદાહરણ છે. વર્ષ ૨૦૨૫ ના શિક્ષકદિન નિમિત્તે જ્યારે તેમને શ્રેષ્ઠ શિક્ષક HTAT શ્રેણીમાં સન્માનવામાં આવનાર છે ત્યારે જયદીપસિંહ ગોહિલ સહિત તેમના જેવા તમામ શિક્ષકોને સલામ આપવા ઘટે.