વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં રખડતા શ્વાન મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં વ્રજવિહાર સોસાયટીના પ્રમુખનું અપહરણ કરી હુમલો કર્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે હુમલાખોર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
- વાસણા રોડ પર આવેલી સોસાયટી ના પ્રમુખ પર રખડતા કૂતરાઓને જમવાનું આપવા માટે બાબતે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી હુમલો.
- ગંભીર રીતે ઘવાયેલા પ્રમુખને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા
જાણવા મળ્યાઅનુસાર, વાસણા રોડની વ્રજવિહાર સોસાયટીમાં થોડા દિવસ પહેલા રખડતા શ્વાનને ભોજન આપવા મુદ્દે નર્મદાબેન પરમાર સાથે એક જ સોસાયટીમાં રહેતા કૃણાલ પાટીલ અને સોસાયટીના પ્રમુખ પ્રકાશ પટેલે બોલાચાલી કરી હતી. શ્વાન ગંદકી કરતા હોવાથી તેમને મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જેથી નર્મદા બેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ મોડી સાંજે પ્રકાશ પટેલ ઉપર કેટલાક શખસોએ હુમલા કર્યો હતો.
આ મામલે પ્રકાશભાઈ નાના ભાઈએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, મોડી સાંજે પ્રકાશભાઈ ઘરમાં હતા, ત્યારે કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો અને મિલકત વેચાણથી લેવી છે તેની વાત કરવાના નામે સોસાયટીની બહાર બોલાવ્યા હતા. પ્રકાશભાઈ સ્કૂટર ઉપર બહાર ગયા ત્યારે એક શખસે તેમનું સ્કૂટર લઈ લીધું હતું અને તેમને કારમાં બેસાડી આગળ લઈ ગયા હતા. ત્યારબાદ પ્રકાશભાઈને માર મારવામાં આવ્યો હતો. તેમણે માર મારવાનું કારણ પૂછતા એક હુમલાખોરે કહ્યું હતું કે અમને પૈસા આપ્યા છે અમે નડિયાદથી મારવા માટે આવ્યા છીએ. હવે પછી શ્વાનને મારશો તો જીવતા નહીં રહો અને બંટીની પણ આવી જ હાલત થશે. તેમ કહી કોઈ હથિયાર વડે હુમલો કર્યો હતો. ત્યાર પછી તેમને કારમાંથી ઉતારી સ્કૂટર પરત સોંપી દીધું હતું. પોલીસે આ ફરિયાદના આધારે વ્રજ, અંકિત અને રામેશ્વર નામના ત્રણ હુમલાખોર સામે ફરિયાદ નોંધી છે.