- અમારા બાળકો હાલ જે સ્કુલમાં છે, ત્યાં સુવિધાઓનો અભાવ છે. અમારા બાળકો આ શાળા અને તેના શિક્ષકો છોડીને બીજે જવા માંગતા નથી
જુલાઇ – 2024 માં વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલય માં રીસેસ દરમિયાન દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો. સદ્નસીબે આ ઘટનામાં વિદ્યાર્થીઓને માત્ર નાની ઇજાઓ પહોંચી હતી. જે બાદ પાલિકા તંત્ર દ્વારા શાળા પરિસરને સીલ કરી દેવામાં આવ્યું છે. અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ટ્રસ્ટ સંચાલિત અન્ય શાળામાં ભણવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જો કે, નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ આ જ શાળામાં તેના શિક્ષકો જોડે જ ભણવા માંગે છે. જેથી વાલીઓ દ્વારા શાળાને ક્યારે સુરક્ષિત રીતે શરૂ કરવામાં આવશે તે અંગેનો જવાબ ટ્રસ્ટીઓ પાસે માંગવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીના પ્રયાસોમાં કોઇ નક્કર ઉકેલ નહીં આવતા આજે મોટી સંખ્યામાં વાલીઓ નારાયણ વિદ્યાલય ખાતે પહોંચ્યા છે. અને તેમના સવાલોનો સાચો જવાબ મળે તેવી માંગ કરી રહ્યા છે. તો તેમ કરવામાં નહીં આવે તો તેઓ પોતાના સંતાન જોડે અનશન પર બેસવાની તૈયારી પણ દર્શાવી રહ્યા છે. આ તકે વાલીઓ અને વિદ્યાર્થીઓના હાથમાં પોસ્ટર પણ જોવા મળી રહ્યા છે.
સમગ્ર ઘટનાક્રમને લઇને વાલી રેશમબેન પરમારે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમે આજે નારાયણ સ્કુલ ઉપર, જ્યાં અગાઉ દીવાલ પડવાની જે ઘટની બની હતી ત્યાં છીએ. તેના અનુસંધાને અમે ટ્રસ્ટીઓ જોડે 6 મહિનાથી મીટિંગ કરી રહ્યા છીએ. પરંતુ તેઓ અમને કોઇ સાચો જવાબ આપતા નથી. તેઓ અમને ગોળ ગોળ ફેરવી રહ્યા છે. કોઇ નક્કર નિર્ણય લેતા નથી. આ અંગે અમે ડીઇઓ કચેરીમાં પણ ગયા હતા. અમે છેક ગાંધીનગર સુધી રજુઆત કરીને આવ્યા છીએ. પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી. આજે મીટિંગ થઇ છે, આજે પણ તેઓ ગોળ ગોળ જ ફેરવી રહ્યા છે.
વધુમાં જણાવ્યું કે, અકસ્માતની ઘટના બન્યે આજે 217 દિવસો થઇ ગયા છે. અમે કહીએ ત્યારે મીટિંગ બોલાવે છે, ટ્રસ્ટ સામેથી કશું કરતું નથી. અને અમારા બાળકો હાલ જે સ્કુલમાં છે, ત્યાં સુવિધાઓનો અભાવ છે. અમારા બાળકો આ શાળા અને તેના શિક્ષકો છોડીને બીજે જવા માંગતા નથી. અમે પાંચ વખત ટ્રસ્ટીને મળ્યા છીએ. પહેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, અમે શાળા બનાવીશું. ટ્રસ્ટીઓ પૈકી જે અસહમત હતા, તેમણે છુટ્ટા થવાની તૈયારી દર્શાવી હતી. તેમની આંતરિક બાબતનું કોઇ નિરાકરણ લાવતા નથી. તેઓ માત્ર વાતો જ કરે છે. દર મીટિંગમાં અમે આ જ વાત કરી રહ્યા છે. દક્ષેશ શાહને છુટ્ટા થવું છે.
આખરમાં ઉમેર્યું કે, અમારે નિર્ણય જોઇએ છે, જો તેમ નહીં થાય તો અમારી છોકરાઓ સાથે અનશન પર બેસવાની પણ તૈયારી છે. આ વિસ્તારના કોર્પોરેટર અને ધારાસભ્યો ફોન ઉપાડતા નથી. અમને તેમનો સહયોગ મળી રહ્યો નથી. અમારા બાળકોની સંખ્યા 1899 છે, તેઓ નારાયણ ઇન્ટરનેશનલ શાળામાં ભણી રહ્યા છે.
શિક્ષકનું કહેવું છે કે, દિવાલ પડી તે પછી અમને કહેવાયું કે, અમને થોડાક સમય માટે નારાયણ ઇન્ટરનેશનલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બાળકોને સારૂ શિક્ષણ આપવું અમારૂ કર્તવ્ય છે. તેમના કહ્યા બાદ અમે ગયા. ટ્રસ્ટીઓ વચ્ચે અંદરોઅંદર શું મતભેદ છે અમે જાણતા નથી. તેમના મતભેદના કારણે અમારી સ્થિતી અત્યંત દયનીય બની ગઇ છે. અમને બેસવા માટે સ્ટાફરૂમ, ખુરશી નથી. અમે દાદરા પર બેસીને કામ કરીએ છીએ. અમારી કોઇ વેલ્યુ નથી. 120 બહેનો છે, તેમાંથી 40 ટકા બહેનોની આવકનો સ્ત્રોત નોકરી જ છે. અમને કોઈ રીસ્પેક્ટ આપવામાં આવતી નથી. અમે અડધા ટ્રસ્ટીઓને જોયા પણ નથી. અમે મીટિંગ કરી પણ બાંહેધારી આપે છે, કોઇ કામ કરતા નથી. અમને શરૂઆતમાં બધી વ્યવસ્થા આપવામાં આવી, તે બાદ અમારૂ બધા રૂમો લઇ લીધા છે. ટ્રસ્ટીઓ સચોટ જવાબ આપતા નથી. એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે.