વડોદરામાં તહેવારોના સમયે શહેર છોડીને જીલ્લામાં જવું પણ જાણે યુદ્ધ પર જવા જેવું અઘરું થઈ પડ્યું છે. પૂર્વ પટ્ટીને જોડતા વડોદરા ડભોઇ રોડ પર પલાસવાડા રેલવે ફટાક પર ચાલી રહેલી સમારકામની કામગીરીના કારણે કલાકો સુધી બંને તરફ ટ્રાફિકજામ રહે છે. જેનાથી ડભોઈથી વડોદરા અને વડોદરા થી ડભોઇ જતા વાહનોની લાંબી કતાર લાગી જાય છે. આ ટ્રાફિક સમસ્યાથી રોજિંદા અવરજવર કરતા વાહનચાલકો પણ પરેશાન થઈ ઉઠયા ચેમ જ્યારે વૈકલ્પિક માર્ગ કે વ્યવસ્થા ઉભી કરવાની માંગ ઉઠી છે.
તહેવારોના સમયે શહેરથી ગ્રામ્ય વિસ્તારોમા જતો ટ્રાફિક વધી જાય છે. શહેરમાં વસતા નાગરિકો પોતાના વતન તહેવાર કરવા જતા હોય છે. જ્યારે સગા સબંધીઓને ત્યાં શુભેચ્છા મુલાકાત અર્થે પણ જાય છે. જ્યારે આવા સમયે જ છોટાઉદેપુર જીલ્લા અને પૂર્વ પટ્ટીના ડભોઇ તાલુકા ને જોડતા મુખ્યમાર્ગ પર પલાસવાડા રેલવે ફાટક પર ભારે ટ્રાફિકજામ સર્જાય છે. અહીંયા રેલવે ફાટક પર સમારકામ ચાલી રહ્યું છે. કહેવાય છે કે, ટૂંક સમયમાં ઓવરબ્રિજનું કામ શરૂ થનાર છે જેની તૈયારીના ભાગ રૂપે ફાટક પહોળી કરવામાં આવી રહી છે.
આ કામગીરીના કારણે બંને તરફે કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાય છે. વાહનચાલકોને ફાટક ખુલ્લી હોવા છતાંય ટ્રેક ક્રોસ કરવા માટે રાહ જોવી પડે છે. મહત્વની વાત એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા આ મુખ્ય માર્ગ પર ચાલી રહેલા સમારકામને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પર્યટકોને પણ ભારે હેરાનગતિ થઈ રહી છે. ત્યારે આવનાર 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે એકતા દિવસની ભવ્ય ઉજવણી સમયે દેશભર માંથી આવનાર મહેમાનોને પણ ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડે તો નવાઈ નહીં!