વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પરથી મુસાફરી કરતા વાહનચાલકો માટે સાવધાન રહેવાના સમાચાર છે. જો તમે પણ નિયમિત રીતે આ માર્ગનો ઉપયોગ કરો છો, તો આગામી થોડા મહિનાઓ સુધી તમારે ટ્રાફિક અને ધીમી ગતિનો સામનો કરવો પડી શકે છે.
❓શા માટે થઈ રહ્યું છે સમારકામ?
NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા વડોદરાથી અમદાવાદ તરફના 39 કિલોમીટર જેટલા લાંબા પટ્ટામાં રોડના રિસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત ચોમાસામાં રસ્તા પર ઠેર-ઠેર ખાડા પડવા અને પેચવર્કને કારણે સપાટી ખરબચડી થઈ ગઈ હોવાની વ્યાપક ફરિયાદો બાદ તંત્ર દ્વારા આ આખો હિસ્સો નવો બનાવવાનો નિર્ણય લેવાયો છે.
🚸ટ્રાફિકની શું રહેશે સ્થિતિ?
અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યારે કામગીરીને કારણે રસ્તાને ‘વન-વે’ અથવા લેન મુજબ બંધ કરવામાં આવ્યો છે. 100 કિમીની ઝડપે દોડતા વાહનોની ગતિ હવે ધીમી પડશે. સામાન્ય રીતે વડોદરાથી અમદાવાદ ટોલનાકા સુધી પહોંચવામાં જે સમય લાગે છે, તેમાં હવે 30 થી 45 મિનિટનો વધારો થઈ શકે છે. ભારે ટ્રાફિકને કારણે અમુક સંજોગોમાં આ સમય 2 કલાક સુધી પણ પહોંચી શકે છે.
🧐તંત્રની અપીલ અને સમયગાળો:
- સમયગાળો: આ સમારકામની કામગીરી એપ્રિલ 2026 સુધી ચાલે તેવી શક્યતા છે.
- સૂચના: વાહનચાલકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછો પોણો કલાક (45 મિનિટ) વહેલા નીકળે.
- વૈકલ્પિક માર્ગ: જો ખૂબ જ ઈમરજન્સી હોય, તો વાહનચાલકો એક્સપ્રેસ વેના બદલે નેશનલ હાઇવે 48 (જૂનો હાઇવે) નો ઉપયોગ કરવાનું વિચારી શકે છે.
🫵પડકારજનક કામગીરી:
ત્રણ લેન પૈકી વચ્ચેની લેન પર કામ કરવું એન્જિનિયરો માટે સૌથી મોટો પડકાર છે, કારણ કે બંને તરફથી વાહનોની સતત અવરજવર ચાલુ રહે છે. આ કામગીરીમાં પેવર અને મિલિંગ મશીન જેવા ભારે સાધનો સાથે 50 જેટલા શ્રમિકોની ટીમ કાર્યરત છે.