Vadodara

VMC હેડક્વાર્ટર ખાતે ‘આપ’નો હલ્લાબોલ: એક રાતના જલસા પાછળ 62 લાખનું આંધણ? ઓડિટ વિભાગે બિલ રોક્યું.

Published

on

વડોદરાના રાજકારણમાં અત્યારે દિવાળી દરમિયાન યોજાયેલી એક ‘લાઇવ ઇવેન્ટ’ના બિલને લઈને ભારે હોબાળો મચી રહ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની કચેરી આજે અખાડામાં ફેરવાઈ ગઈ હતી, જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો પુરાવા સાથે કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

🚨ખંડેરાવ માર્કેટમાં પોલીસ અને કાર્યકરોનું ઘર્ષણ

ખંડેરાવ માર્કેટ સ્થિત VMCની વડી કચેરીમાં આજે બપોરે દ્રશ્યો ત્યારે તંગ બન્યા જ્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને કાર્યકરો પરવાનગી વગર આવેદનપત્ર આપવા પહોંચ્યા. સુરક્ષાકર્મીઓ અને પોલીસ સાથે થયેલા ભારે ઘર્ષણ બાદ, પોલીસે જાહેરનામાના ભંગ બદલ 9 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે.

🎤આપ નેતાનું નિવેદન

હાથમાં ફાઈલ લહેરાવતા ‘આપ’ના નેતાએ આરોપ લગાવ્યો કે, “પાલિકાએ કરેલા ફ્રોડના તમામ પુરાવા મારી પાસે છે, મારી ફરિયાદ પહેલા લો.” જોકે, પોલીસે તેમની વાત સાંભળવાને બદલે ટિંગાટોળી કરીને તેમને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા.

📍ખર્ચની વિગતો

ગઈકાલે સામાન્ય સભામાં કોર્પોરેટર આશિષ જોષીએ આ કથિત ભ્રષ્ટાચારના આંકડા રજૂ કર્યા હતા, જે આશ્ચર્યજનક છે:

  • સ્ટેજ અને લાઈટિંગ: ₹26 લાખ
  • ઇવેન્ટ મેનેજમેન્ટ: ₹9 લાખ
  • જનરેટર ભાડું: ₹6 લાખ
  • ખુરશી-સોફા અને કાર્પેટ: ₹2.60 લાખથી વધુ
  • પરચૂરણ ખર્ચ: ₹5.34 લાખ
  • કુલ બિલ: ₹62 લાખ (માત્ર 4-5 કલાકના કાર્યક્રમ માટે)

સૌથી મોટો સવાલ એ છે કે એક રાતની કોન્સર્ટ માટે 62 લાખનો ખર્ચ કેવી રીતે શક્ય છે? આ મામલે ઓડિટ વિભાગે પણ લાલ આંખ કરી છે અને હાલ પૂરતું બિલ મંજૂર કર્યું નથી. જ્યારે મેયર પિંકીબહેન સોનીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું કે, “કમિશનર અને જવાબદાર અધિકારીઓને તપાસ કરવા સૂચના આપી છે.”

🫵તંત્રના અધિકારીઓ અત્યારે આ સવાલોના જવાબ આપતા પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. શું આ ખરેખર જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ છે? તપાસ બાદ સત્ય બહાર આવશે.

Trending

Exit mobile version