વડોદરામાં દિપાવલી બાદ ભાજપના ધારાસભ્યો દ્વારા તેમના વિધાનસભામાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સદસ્યતા અભિયાન મહત્વનો મુદ્દે બની રહ્યો છે. તાજેતરમાં શહેરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સદસ્યોની નોંધણી ઓછી થવા અંગે કટાક્ષ કર્યો હતો. અને તેમની વિધાનસભા કરતા અકોટા વિધાનસભાના સભ્યો કેવી રીતે વધુ હોય તેવો સવાલ રમુજમાં ઉઠાવ્યો હતો.
જો કે, તે બાદ અકોટા વિધાનસભાના સ્નેહમિલનમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ કાચબા-સસલાની વાર્તા કરીને સિનિયર ધારાસભ્યની કોમેન્ટ સામે વળતો જવાબ આપ્યો હતો. સાથે જ આ તકે શહેર ભાજપ પ્રમુખે પણ નામ લીધા વગર કહી સંભળાવ્યું હતું.
વડોદરાના શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહએ અકોટા વિધાનસભાના સ્નેહમિલન સમારોહમાં મંચ પરથી કહ્યું કે, આખા વડોદરામાં સૌથી વધુ પ્રાથમિક સભ્યોની નોંધણી કરાવવાની તાકાત બતાવી છે તેવા અકોટા વિધાનસભાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું. એક લાખ સભ્યોનો માનનીય પ્રદેશનો સંકલ્પ છે. આપણે 82 હજાર પર પહોંચ્યા છે. માત્ર 18 હજાર સભ્ય બને એટલે પ્રદેશનું જે લક્ષ્ય છે તે પૂર્ણ થાય. તેમ છતાં પણ જે થયું છે તે વડોદરા શહેરની અન્ય બે વિધાનસભાના કુલ સરવાળા કરતા પણ વધુ થયું છે. માટે હું અકોટા વિધાનસભાના ધારાસભ્ય અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું. કોઇ એવું કહે કે, આમાં તપાસ કરવી જોઇએ..!
ચોક્કસ તપાસ એટલા માટે કરવી જોઇએ, કે આપણી વિધાનસભામાં (સદસ્ય નોંધણી) ઓછી કેમ થાય છે. એટલા માટે નહીં કે, બીજાની વિધાનસભામાં વધારે કેમ થાય છે. જે વિધાનસભાના ભાજપના પ્રદેશ પ્રથમ પ્રમુખ મકરંદ દેસાઇના પુત્ર ચૈતન્ય દેસાઇ વિધાનસભાના ધારાસભ્ય, હાલના શહેર ભાજપ પ્રમુખ, બે મહામંત્રી રહેતા હોય ત્યાં 82 હજાર સભ્યો બને જ. ત્યાં કોઇ તપાસ કરવાની જરૂર જ નથી. 312 સક્રિય સભ્યો છે, જે ત્રણ ત્રણ વિધાનસભાના સક્રિય સભ્યો કરતા પણ વધારે છે.
જે બાદ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ અગાઉ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા કહેવામાં આવેલી સસલા-કાચબાની વાર્તા ફરી કહી સંભળાવી હતી. અને કહ્યું કે, અમે કરી બતાવ્યું છે. સંશોધનનો વિષય છે કે તમે કેમ ના કરી શક્યા.