પોલીસ સામે જનતાનો રોષ:પોલીસની હાજરીમાં પણ કાર્યવાહી ન થતાં રહીશોએ PCR વાનનો કર્યો ઘેરાવો.
વડોદરા: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા VIP રોડ પરના વૈકુંઠ એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો એક માથાભારે શખ્સની હેરાનગતિથી કંટાળી ગયા છે. કિરિટ મકવાણા નામના ઈસમે એપાર્ટમેન્ટમાં આતંક મચાવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
🧐દાદાગીરીની પરાકાષ્ઠા:
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કિરીટ મકવાણા સિક્યુરિટી કેબિનમાં જાણીજોઈને કચરો નાખે છે અને દુકાનદારો પાસેથી કોઈ પણ પૈસા આપ્યા વગર માલસામાન પડાવી લેવાની દાદાગીરી કરે છે. એટલું જ નહીં, આ શખ્સની અસભ્યતાની હદ તો ત્યારે વટાઈ ગઈ, જ્યારે તે ચા વેચીને પોતાનું ગુજરાન ચલાવતી એક મહિલાના ફોટા પાડી અશ્લીલ ઈશારા કરતો હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
🚨પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો:
આ બાબતે જ્યારે સ્થાનિકોએ ૧૧૨ પર ફોન કરીને પોલીસને બોલાવી, ત્યારે પોલીસ દ્વારા કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં આવી નહીં. પોલીસની આ નરમ નીતિ જોઈને રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ પોલીસની PCR વાનનો ઘેરાવો કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે માથાભારે ઈસમ સામે પોલીસ કાર્યવાહી કેમ કરતી નથી?
એક સામાન્ય પરિવાર કે વેપારી પોતાની આજીવિકા શાંતિથી કમાઈ શકે તે માટે પોલીસની સુરક્ષા જરૂરી છે. જ્યારે સ્થાનિકો પોલીસ સામે જ વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બને, ત્યારે સમજવું કે સિસ્ટમમાં ક્યાંક ખામી છે.