📍મુખ્ય મુદ્દાઓ
- ગ્લોબલ એન્ટરપ્રાઇઝને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત તૈયાર.
- દરખાસ્ત હવે નિર્ણય માટે સ્થાયી સમિતિ (Standing Committee) સમક્ષ રજૂ.
- પાલિકા સાથે છેતરપિંડી કરનાર અન્ય એજન્સીઓ માટે પણ આ એક કડક ચેતવણી.
વડોદરા મહાનગરપાલિકામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી ટેન્ડર મેળવવા માટે કેવી રીતે આંકડાકીય માયાજાળ રચી શકાય છે, તેનો એક જીવતો જાગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલિકાના ટુરિસ્ટ વિભાગના અતિથિગૃહોમાં હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે નકલી દસ્તાવેજોનો સહારો લેનાર ‘ગ્લોબલ એન્ટરપ્રાઇઝ’ સામે પાલિકાએ લાલ આંખ કરી છે.”
- ઘટનાની વિગત: વડોદરા મહાનગરપાલિકા સંચાલિત 19 અતિથિગૃહો અને કોમ્યુનિટી હોલ પૈકી 9 મહત્વના સ્થળોએ ઉચ્ચ કક્ષાની સફાઈ માટે વાર્ષિક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં ત્રણ એજન્સીઓએ દાવેદારી નોંધાવી હતી.
- ટાઈ પડી અને ખેલાયો ખેલ: ટેન્ડર પ્રક્રિયામાં ત્યારે વળાંક આવ્યો જ્યારે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ અને માહી એન્ટરપ્રાઇઝ બંનેએ એકસમાન રૂપિયા 46,59,955 નો ભાવ રજૂ કર્યો. નિયમ મુજબ, સમાન ભાવ હોય ત્યારે જેનું ટર્નઓવર વધારે હોય તેને પ્રાથમિકતા મળે છે.
- દસ્તાવેજોમાં છેડછાડ: ગ્લોબલ એન્ટરપ્રાઇઝે પોતાનું પલ્લું ભારે કરવા માટે છેલ્લા ત્રણ વર્ષના ટર્નઓવર અને નેટવર્થના આંકડાઓમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ નકલી પુરાવાઓના આધારે તેમણે એક વર્ષનો કોન્ટ્રાક્ટ પણ મેળવી લીધો હતો.
“પરંતુ કહેવાય છે ને કે પાપનો ઘડો ભરાય એટલે સત્ય સામે આવે જ છે. તપાસ દરમિયાન ખુલાસો થયો કે એજન્સીએ રજૂ કરેલા દસ્તાવેજો ‘સ્વ-પ્રમાણિત’ હોવા છતાં તદ્દન ખોટા હતા. આ છેતરપિંડી સામે આવતા જ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે.”
“વડોદરા પાલિકાના આ કડક વલણથી ભ્રષ્ટ ઈજારદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાયી સમિતિ આ મામલે કેવા દંડનીય પગલાં લે છે.