Vadodara

ગ્રામ્ય વિસ્તારનું પાણી પ્રવેશતું અટકાવવા વિશેષ આયોજન

Published

on

  • આજની સ્થિતીએ બધાય ઝોનમાં કામ ચાલી રહ્યું છે. કામગીરી 15, મે – 2025 સુધીમાં, ચોમાસા પહેલા પૂર્ણ થાય તેવો પ્રયત્ન – દિલીપ રાણા

વડોદરા ની વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં ભરવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને વડોદરા ગ્રામ્ય વિસ્તારના પાણી શહેરના પૂર્વ વિસ્તારમાં ના પ્રવેશે તે માટેના કામકાજ પર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ખુદ દેખરેખ રાખી રહ્યા છે. ખાસ કરીને આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરી દેવાનું આયોજન છે. આ કામગીરી અંતર્ગત કાંસને પહોળી કરવી, હાઇવે પરના દબાણો દુર કરવા, સમાંતર કાંસનું નિર્માણ કરવું વગેરેનો સમાવેશ થાય છે.

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મીડિયાને જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાંથી જે પાણી હાઇવેે પસાર કરીને પૂર્વ વિસ્તારમાં આવે છે. તેના માટે શંકરપુરા કાંસ, સિકંદર પુરા કાંસ, અણખોલ તળાવ આગળની કાંસ આગળ જાય અને તેવી જ રીતે નેશનલ હાઇવેની સમાંતર કાંસ કપુરાઇ થઇને રેલવેના ગરનાળા નીચે થઇને જાંબુઆ તરફ આવે તેનું આખું પ્લાનીંગ અમે કર્યું હતું. એટલે હવે તેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ યોગ્ય રીતે થાય તે માટેની આ મુલાકાત હતી. જોડે જોડે દક્ષિણ વિસ્તારમાં હાઇવેને સમાંતર કાંસ કરવી, રૂપારેલ કાંસની સમાંતર બીજો તેવો જ કાંસ તૈયાર કરવો, જેથી પાણી ઝડપથી પસાર થઇ જાય. તરસાલી અને સોમા તળાવ વિસ્તારને ફાયદો થાય તે માટેનું આયોજન, જોડે જોડે નેશનલ હાઇવે પરના જે દબાણો છે, તેને દુર કરવા માટે ઓથોરીટીને વધુ એક વખત મીડિયાના માધ્યમથી અપીલ કરૂં છું.

વધુમાં જણાવ્યા અનુસાર, આખી ચેનલ બનાવવામાં આવે તો જ પાણી જાય. એક પછી એક અલગ અલગ સ્તરે કામગીરી કરવામાં આવશે, તેમ તેમ પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યામાંથી છુટકારો મળશે. તેની માટે સૌથી પહેલા ટીંબી કાંસ ત્યાર બાદ અણખોલ કાંસ, પછી સિકંદરાપુરા કાંસ, શંકરપુરા તથા હાઇવેની સમાંતર પૂર્વ અને પશ્ચિમ બાજુએ ક્રોસિંગ, બાદમાં કપુરાઇ તળાવ તથા જાંબુઆ નદી, સાથે કપુરાઇ પછી હાઇવેની સમાંતર બંને કાંસ ચાલે, તથા રૂપારેલ કાંસની સમાંતર નવો કાંસ હાઇવેની સમાંતર થાય અને આગળ જતા ભળી જાય (મર્જ થાય) ત્યારે મહદઅંશે પાણી શહેરની બહાર જ વહી જશે. અને આવતા ચોમાસામાં આપણને પાણી ભરાવવાની સમસ્યામાંથી છુટકારો મળશે. આ કામ અંગેનું પ્લાનીંગ કરી દેવામાં આવ્યું છે. આજની સ્થિતીએ બધાય ઝોનમાં કામ ચાલી રહ્યું છે. આખી કામગીરી 15, મે – 2025 સુધીમાં, ચોમાસા પહેલા પૂર્ણ થાય તેવો અમારો પૂરતો પ્રયત્ન છે.

Trending

Exit mobile version