Vadodara

વડોદરામાં શોર્ટ સર્કિટનો ફફડાટ: સોમા તળાવની શ્યામલ ડ્રીમ સોસાયટીમાં વીજ મીટરોમાં ભભૂકી આગ.

Published

on

વડોદરામાં ગરમીનો પારો વધતાની સાથે જ હવે આગની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં વીજ મીટરમાં અચાનક આગ ફાટી નીકળતા રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સ્થાનિકોની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળવા પામી છે.

આ દ્રશ્યો છે વડોદરાના સોમા તળાવ પાસે આવેલી શ્યામલ ડ્રીમ સોસાયટીના. અહીં આજે અચાનક જ વીજ મીટરોમાંથી ધુમાડા અને ચિંગારીઓ નીકળવા માંડી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને મીટર બોક્સ ભડભડ સળગવા લાગ્યું હતું.

આગ લાગતા જ સોસાયટીના રહીશો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. પરંતુ ગભરાવાને બદલે રહીશોએ હિંમત દાખવી અને તાત્કાલિક મેઈન લાઈનમાંથી વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. આ એક પગલાને કારણે આગ વધુ ફેલાતી અટકી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ અને વીજ કંપનીના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, ટેકનિકલ ખામી અને ગરમીના કારણે મીટરમાં શોર્ટ સર્કિટ થયું હોવાનું મનાઈ રહ્યું છે.

સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સોસાયટીનો વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાઈ ગયો હતો. હવે રહીશોની એક જ માંગ છે કે વીજ કંપની દ્વારા જૂના મીટરોનું ચેકિંગ કરવામાં આવે અને તેને બદલીને નવા સુરક્ષિત મીટરો લગાવવામાં આવે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

Trending

Exit mobile version