વડોદરા શહેરમાં હરણી લેકઝોન ખાતે 14 લોકોના મોતની ગોજારી ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. પોલીસ દ્વારા બેદરકાર કોન્ટ્રાક્ટરો સહિત 14 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. બોટ કાંડની ઘટનાને 19 જેટલા દિવસો થવા આવ્યા છતાં હજુ મુખ્ય આરોપીના પુત્ર અને તેના પરિવાર સહિત પાંચ જણા પોલીસ ધરપકડથી દૂર નાસ્તા ફરતા છે.
પોલીસ પકડમાં આવેલ આરોપીઓની પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે જેમાં લેક ઝોનના ભાગીદારોને ખુદને બોટિંગના નિયમો અંગે એકેયને જ્ઞાન નહોતું અને બોટિંગ માટે ક્યાં પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ તેની પણ જાણકારી નહોતી અને તેમને બોટિંગ જેવી જોખમી રાઇડ્સ માટે કેવા નિયમો હોવા જોઈએ તે જાણવાની પણ તસ્દી ન લીધી હતી અને પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિન અનુભવી સ્ટાફ પસંદ કર્યો હતો સાથે સંચાલકોએ જરૂરી લાઇસન્સ, વીમો કે રજીસ્ટ્રેશન સુદ્ધાં કરાવ્યું નથી
હરણી લેકઝોન ખાતે પિકનિક માટે આવેલા ન્યુ સનરાઈઝ સ્કુલના બાળકો પૈકી બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓના બોટ પલટી જવાના કારણે કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનાના પગલે વડોદરા સહીત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. જેમાં તળાવ ખાતે કોન્ટ્રાક્ટ મેળવનાર કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો સહિત 19 લોકો સામે બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં તપાસ કરવા માટે પોલીસની એસઆઇટી ની રચના કરાઈ હતી.
એસઆઈટીની ટીમ દ્વારા અત્યાર સુધીમાં મુખ્ય પરેશ શાહ સહિત 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાંથી પાંચ ટકાના ભાગીદાર એવા દોશી પરિવારના સસરા અને બે પુત્રવધુને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. અન્યના હાલ રિમાન્ડ ચાલી રહ્યા છે. જોકે હજુ મુખ્ય આરોપી પરેશ શાહના પુત્ર અને તેના પરિવાર સહિત પાંચ આરોપીઓ પોલીસ ધરપકડથી બચવા નાસ્તા ફરતા રહે છે. ત્યારે પોલીસે આ આરોપીઓને પકડવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ તપાસ કરી રહી છે.