- દોઢ માસથી તેઓ આ કામ કરતા હતા. અને અત્યાર સુધી પાંચ લોકોએ મળીને સોનાની ચેઇન તફડાવી હોવાનું કબુલ્યું હતું
વડોદરામાં વિતેલા કેટલાક સમયથી રીક્ષામાં સવારી કરતી મહિલાઓ સાથે ચોરીની અનેક ઘટનાઓ સામે આવી હતી. જેની ગંભીરતાને ધ્યાને લઇને વડોદાર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસે એક મહિલા સહિત ચારને દબોચી લીધા છે, જ્યારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
રીક્ષામાં મુસાફરોના સોનાના દાગીનાની ચોરીના કિસ્સાઓ સામે આવતા તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે હાથમાં લીધી હતી. દરમિયાન સીસીટીવી અને ટેક્નિકલ તથા હ્યુમન સોર્સ આધારિત તપાસ કરવામાં આવી હતી. જેમાં શોધખોળ દરમિયાન પાણીગેટના ઠેકરનાથ રોડ પર નંબર વગરની ઓટો રીક્ષામાં મહિલા સહિત ચાર ઇસમ જણાઇ આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તેમની નજીક જોવા જતા તેમણે રીક્ષા ચાલુ કરીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમોને શંકા જતા રીક્ષાને કોર્ડન કરીને તમામની અટકાયત કરવામાં આવી હતી.
બાદમાં એક પછી એક તમામની ઓળખ શકીલ ઉર્ફે ઠાકોર ફીરોજભાઇ વ્હોરા, સલમાન ગુલામનબી વ્હોરા, જાફરભાઇ અનવરભાઇ મન્સુરી, અને શિરીન ઉસ્માનભાઇ વ્હોરા તરીકે કરવામાં આવી હતી. તેમની પાસેથી ત્રણ મોબાઇલ ફોન તથા સોનાની ચેઇન, રીક્ષા વગેરે મળી આવ્યા હતા. તે અંગેના આધાર પુરાવા રજુ કરવાનું કહેતા તેઓ આપી શક્યા ન્હતા. બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડકાઇ દાખવતા તેઓ ભાંગી પડ્યા હતા.
બાદમાં જણાવ્યું કે, તેઓ રીક્ષામાં મહિલા પેસેન્જરને બેસાડીની તેમની નજર ચુકવીને તેમના ગળામાંથી સોનાની ચેઇન કટર વડે કાપી લેતા હતા. વડોદરામાં દોઢ માસથી તેઓ આ કામ કરતા હતા. અને અત્યાર સુધી પાંચ લોકોએ મળીને સોનાની ચેઇન તફડાવી હોવાનું કબુલ્યું હતું. બાદમાં આ મામલે વધુ કાર્યવાહી અર્થે તમામને મકરપુરા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી સોનાની ચેઇન, રીક્ષા તથા મોબાઇલ મળીને કુલ રૂ. 2.29 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.
શકીલ ઉર્ફે ઠાકોર ફીરોજભાઇ વ્હોરા (રહે. મહેમદાવાદ, ખાત્રજ દરવાજા, ખેડા)
સલમાન ગુલામનબી વ્હોરા (રહે. સાનમ પાર્ક, આણંદ)
જાફરભાઇ અનવરભાઇ મન્સુરી (રહે. મહેમદાવાદ, સોનમ પાર્ક, ભાગ્યોદય રોડ)
શિરીન ઉસ્માનભાઇ વ્હોરા (રહે. ગામડી રોડ, આણંદ) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રેશ્માબેન ઇસ્માઇલભાઇ વ્હોરા (રહે. ઇસ્માઇલ નગર, આણંદ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
શકીલ ઉર્ફે ઠાકોર ફીરોજભાઇ વ્હોરા અગાઉ પાદરા પોલીસ મથકમાં સોનાની ચેઇન તફડાવવાના ગુનામાં પકડાયેલો છે. સલમાન ગુલામનબી વ્હોરા અગાઉ રીક્ષામાં પેસેન્જરોના દાગીના ચોરી કરવામાં માણસા અને પાદરા પોલીસ મથક તેમજ મારામારીના ગુનામાં મહેમદાવાદમાં પકડાયેલો છે. જાફરભાઇ અનવરભાઇ મન્સુરી અગાઉ જુગારના કેસમાં મહેમદાવાદ અને મહિલા પેસેન્જરના દાગીના તફડાવવાના કેસમાં પાણીગેટ પોલીસ મથકમાં પકડાયેલો છે.