વડોદરામાં એક તરફ મહાશિવરાત્રીના પર્વને લઈને ‘શિવજી કી સવારી’ના રૂટ પર પાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSGના પરિસરમાંથી હેલ્થ પ્રોટોકોલના ધજાગરા ઉડતી તસવીરો સામે આવી છે. અત્યંત જોખમી તબીબી કચરાની બાજુમાં જ ખાણી-પીણીની લારીઓ ઉભી કરી દેવાતા હોસ્પિટલના સુરક્ષા તંત્ર અને વહીવટ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં આજે એક એવી બેદરકારી જોવા મળી જે દર્દીઓ અને મુલાકાતીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે. હોસ્પિટલના જે ભાગમાં બાયો-મેડિકલ વેસ્ટ એટલે કે ચેપી કચરો સંગ્રહિત કરવામાં આવે છે, તેની બિલકુલ અડીને ખાણી-પીણીની લારીઓ અને ગલ્લાં ખડકાયેલા જોવા મળ્યા હતા.
❓સુરક્ષા એજન્સીની કામગીરી પર સવાલ:
પાલિકાની દબાણ શાખાની કાર્યવાહીથી બચવા માટે લારી ધારકોએ હોસ્પિટલના પ્રાંગણને સુરક્ષિત આશરો બનાવી લીધો હતો. પરંતુ પ્રશ્ન એ થાય છે કે:
હોસ્પિટલમાં કાર્યરત કોન્ટ્રાક્ટ બેઝ સિક્યુરિટી એજન્સીના ગાર્ડ્સ ત્યારે ક્યાં હતા?
આટલી મોટી સંખ્યામાં લારી-ગલ્લાં હોસ્પિટલના સંવેદનશીલ વિસ્તારમાં પ્રવેશ્યા છતાં તેમને કેમ રોકવામાં ન આવ્યા?
🛑ચેપનું વધતું જોખમ:
બાયો-મેડિકલ વેસ્ટ પાસે ખાણી-પીણીની ચીજો હોવી એ મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ અત્યંત જોખમી છે. આ વિસ્તારમાંથી ઉડતા બેક્ટેરિયા અને વાયરસ ખોરાક દ્વારા લોકોના શરીરમાં પ્રવેશી શકે છે, જે મોટો ચેપ ફેલાવી શકે છે.
🧐તંત્રનો બચાવ:
આ ગંભીર મામલે સયાજી હોસ્પિટલના RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, પાલિકાની કાર્યવાહી દરમિયાન લારી ધારકોએ અહીં ગલ્લાં મૂકી દીધા હતા. જોકે, જાણ થતા જ આ તમામ દબાણો તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સુરક્ષા સ્ટાફને આવી ઘટના ફરી ન બને તે માટે કડક સૂચના આપવામાં આવી છે.
સયાજી હોસ્પિટલે ભલે અત્યારે ખાલી હાથે કાર્યવાહી કરી હોય, પરંતુ આ ઘટનાએ હોસ્પિટલના સુરક્ષા માળખાની પોલ ખોલી નાખી છે. શું આગામી સમયમાં હોસ્પિટલ તંત્ર આ સિક્યુરિટી એજન્સી સામે કોઈ કડક પગલાં લેશે કે પછી ફરી આવી જ બેદરકારી જોવા મળશે?