Savli

સાવલીના પોઇચામાં સગીરાનો રહસ્યમય આપઘાત: લગ્ન પહેલા જ સાસરીમાં રહેતી યુવતીએ જીવન ટૂંકાવ્યું

Published

on

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા ગામે એક હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે. લગ્ન પહેલા જ સાસરીમાં મદદ માટે આવેલી એક 17 વર્ષની સગીરાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભાદરવા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દાવોલ ગામની વતની અને કિરણભાઈ સોમાભાઈ ગોહિલની 17 વર્ષની પુત્રી નિશાના લગ્ન સાવલીના પોઇચા ગામના નિલેશ ભીખાભાઈ રાઠોડ સાથે નક્કી થયા હતા. માતા-પિતાની સંમતિથી બંનેની સગાઈ પણ થઈ ચૂકી હતી. જોકે, વિધિની વક્રતા તો જુઓ, લગ્નની શરણાઈઓ વાગે તે પહેલા જ આ ઘર માતમમાં ફેરવાઈ ગયું છે.

📍ઘટનાનો ઘટનાક્રમ:

  • ​આશરે આઠ મહિના પહેલા નિશાનો ભાવિ પતિ નિલેશ એક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો.
  • ​તેને પગમાં ફેક્ચર હોવાથી સેવા-શુશ્રૂષા અને મદદ માટે નિશા તેના સાસરી પક્ષે એટલે કે પોઇચા ગામે રહેવા આવી હતી.
  • ​ગઈકાલે જ્યારે નિલેશ અને તેની માતા ખેતરમાં કામ અર્થે ગયા હતા, ત્યારે નિશા ઘરે એકલી હતી.
  • ​પરિવાર જ્યારે પરત ફર્યો ત્યારે ઘરના દરવાજા અંદરથી બંધ હતા. શંકા જતા બારીમાંથી જોતા નિશા પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.

🚨સારવાર અને પોલીસ કાર્યવાહી:

પરિવારજનોએ તાત્કાલિક નિશાને નીચે ઉતારી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી, પરંતુ ટૂંકી સારવારના અંતે નિશાએ દમ તોડી દીધો હતો. સગીર વયની યુવતીએ કયા સંજોગોમાં અને કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.

✍️હાાલમાં ભાદરવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. શું આ આત્મહત્યા પાછળ કોઈ માનસિક દબાણ હતું કે પછી અન્ય કોઈ કારણ? તે તો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Trending

Exit mobile version