- જીલ્લાના એક જાગ્રૃત નાગરિકે ખનીજ વિભાગના બે કર્મચારીઓની પાપલીલાના દસ્તાવેજો એકત્રિત કર્યાની ચર્ચા
- ચાણોદના ફૂલવાડીમાં ચાલતા ગેરકાયદે ખનીજ ચોરીમાં વડોદરા કચેરીના કર્મચારીની જ ભાગીદારી હોવાની અટકણો!
- ખાનગી અહેવાલ પ્રમાણે ડમ્પર,માઈનીંગમાં સગા સબંધીઓના નામે લાખો કરોડોના ટ્રાન્ઝેક્શનનો ભાંડો ફૂટશે?
ખાણ ખનીજ વિભાગમાં વ્યાપેલા ભારોભાર ભ્રષ્ટાચારની પોલ થોડા સમયમાં ખુલવા જઈ રહી છે. સ્થાનિક ખાણ ખનીજના કમર્ચારીઓ પોતે જ ખનીજ પરિવહન અને ગેરકાયદે ખોદકામ માટે પાછલા બારણે સમર્થન કરીને મસમોટી ભાગબટાઈ લેતા હોવાનો એક રીપોર્ટ તૈયાર થઇ રહ્યો છે. જેની ફરિયાદ દિવાળી બાદ ACB સુધી થશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ ગેરકાયદે રેતી અને માટી ખોદકામ રોકવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે. છડેચોક નદીઓમાં નાવડી ઉતારીને રેતી ઉલેચવામાં આવે છે અને તેમ છતાંય આ વેપલો બંધ કરી શકાય તેવી નક્કર કાર્યવાહી જોવા મળતી નથી. અધિકારીઓનો દંડો પણ ફક્ત એવી જગ્યાએ ઉગામવામાં આવે છે જ્યાં કોઈ રાજકીય દરમિયાનગીરી ન હોય અને જ્યાં રાજકીય વ્યક્તિઓની છત્રછાયા ન હોય ત્યાં ખાણ ખનીજ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ પોતાની ટકાવારી ગોઠવી ચુક્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જીલ્લાના એક જાગૃત નાગરિકે ખાણ ખનીજ વિભાગના એક માઈન સુપરવાઈઝર અને એક રોયલ્ટી ઇન્સ્પેકટર વિરુદ્ધ ACBમાં ફરિયાદ કરવાનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે. જેમાં ડભોઇ તાલુકાના ચાણોદ નજીક ફૂલવાડી ગામે થઇ રહેલા ગેરકાયદે રેતી ખનન કરતા વિષ્ણુ,અન્નુ સાથે ખાણ ખનીજ વિભાગના એક માઈન સુપરવાઈઝર સાથેની ભાગીદારીના પુરાવા સાંપડ્યા છે. આ સાથે તરસાલી વિસ્તારમાં રહેતા એક ટ્રાન્સપોર્ટર સાથે ભાગીદારીમાં રોયલ્ટી ઇન્સ્પેકટરના ડમ્પર કોઈ ત્રાહિત વ્યક્તિના નામે ધમધમી રહ્યા હોવાનો પણ સ્ફોટક ખુલાસો થશે. આ સમગ્ર ભાગીદારી અને ભાગબટાઈનો વેપલાનો વહીવટ યશ નામનો વ્યક્તિ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
મહત્વનું છે કે, વડોદરા ખાણ ખનીજ વિભાગ પહેલાથી જ ભ્રષ્ટાચારના નામે ખરડાયેલું છે. તત્કાલીન અધિકારી રવિ મિસ્ત્રી, સંકેત પટેલ ACBના છટકામાં ઝડપાઈ ચુક્યા છે. જયારે હવે એક માઈન સુપરવાઈઝર અને રોયલ્ટી ઇન્સ્પેકટર દ્વારા ગેરકાયદે રેતી ખનન અને પરિવહનમાં ભાગીદારી રાખીને કેટલી અપ્રમાણસર મિલકતો વસાવી તેની તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચારનો જ્વાળામુખી બહાર આવે તેવી શક્યતા છે.