Vadodara

વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

Published

on

  • રેલવે સ્ટેશને પત્ની-બાળકી બિનવારસી: અમદાવાદ જવાના બહાને પતિ વડોદરા રેલવે સ્ટેશન પર પત્ની અને ૩ મહિનાની બાળકીને મૂકીને પલાયન થયો.
  • ફોન સ્વિચ ઓફ કરીને ભાગ્યો: પત્નીને સ્ટેશન પર બેસાડી ‘હમણાં આવું છું’ કહીને નીકળેલા પતિએ પોતાનો ફોન બંધ કરી દીધો.
  • અભયમ ટીમની ત્વરિત કાર્યવાહી: ૧૮૧ અભયમની ટીમે સ્થળ પર પહોંચી પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું અને પતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો.
  • સખી સેન્ટરમાં આશ્રય: રાત્રિના સમયે સુરક્ષા ધ્યાને રાખીને અભયમની ટીમે મહિલા અને બાળકીને ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સલામત આશ્રય અપાવ્યો.

સંસ્કારી નગરી વડોદરાના રેલવે સ્ટેશન પરથી પ્રેમલગ્ન અને સંબંધોને શરમજનક સ્થિતિમાં મુકતી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના અને પ્રેમલગ્ન કરનાર પતિ પોતાની પત્ની અને માત્ર ત્રણ મહિનાની કૂંમળી વયની બાળકીને વડોદરા રેલવે સ્ટેશન પર અમદાવાદ જવાનું કહીને રસ્તામાં જ બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર થર્ડ પાર્ટી દ્વારા કોલ કરીને જણાવવામાં આવ્યું હતું કે, વડોદરા રેલવે સ્ટેશન પર એક મહિલા પોતાની ૩ મહિનાની માસૂમ બાળકી સાથે લાચાર હાલતમાં બેઠા છે અને તેમના પતિ તેમને મૂકીને જતા રહ્યા છે. ઘટનાની ગંભીરતા સમજીને અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પીડિત મહિલાનું કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. મહિલાએ આપવીતી જણાવતા કહ્યું હતું કે, તેઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને એક લગ્ન પ્રસંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિવારજનોના વિરોધ છતાં તેઓ ભાગી ગયા હતા અને પ્રેમલગ્ન કર્યા હતા.

છેલ્લા એક વર્ષથી આ દંપતી પુણેમાં રહાણું કરતું હતું, પરંતુ ત્યાં પતિને યોગ્ય કામ ન મળતાં તેણે પત્નીને ‘આપણે અમદાવાદ જઈને રહીશું’ તેમ કહીને ગઈકાલે પુણેથી ટ્રેન પકડાવી હતી. આજે વડોદરા રેલવે સ્ટેશન ઉતર્યા બાદ પતિએ પત્નીને એક જગ્યાએ બેસાડીને કહ્યું હતું કે ‘હું હમણાં જ આવું છું’. પરંતુ ત્યાર બાદ તેણે પોતાનો ફોન બંધ કરી દીધો હતો. મહિલા પોતાની ત્રણ મહિનાની બાળકીને ખોળામાં લઈને કડકડતી ઠંડી અને અજાણ્યા શહેરમાં ૪ કલાકથી વધુ સમય સુધી પતિની રાહ જોતી રહી હતી. અભયમની ટીમે પતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન સતત બંધ આવતો હતો. રાત્રિના સમયે અજાણ્યા સ્થળે મહિલા અને માસૂમ બાળકીની સુરક્ષાને પ્રાથમિકતા આપીને અભયમની ટીમે તાત્કાલિક બંનેને ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો.

Trending

Exit mobile version