Savli

વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

Published

on

  • દારૂ-જુગારનો વીડિયો વાયરલ: મંજુસર પોલીસ સ્ટેશન હદમાં આવેલા આસોજ ગામની ભાગોળે દારૂની મહેફિલ અને જુગાર રમતા શખ્સો કેમેરામાં કેદ થયા.
  • પોલીસ તંત્ર સામે સવાલો: દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલતી હોવા છતાં પોલીસ અજાણ હોવાના દાવ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ.
  • ખાખીનો ભય ગાયબ: પ્રોહિબિશન વિસ્તારમાં બિયરની મોજ સાથે ચાલતા જુગારના ધામાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો પ્રશ્નાર્થ.
  • કડક કાર્યવાહીની માંગ: વાયરલ વીડિયોના આધારે કાયદાનું ઉલ્લંઘન કરનારા ઇસમો સામે તપાસ કરી દાખલારૂપ પગલાં ભરવા રજૂઆત

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સાવલી તાલુકાના મંજુસર પોલીસ સ્ટેશનની હદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંજુસર પોલીસ સ્ટેશન હેઠળ આવતા આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ દારૂ પીવાની સાથે જુગાર રમતા શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આસોજ ગામની ભાગોળે કેટલાક શખ્સો કોઈ જ જાતના ભય વગર બિયર અને દારૂની મહેફિલ માણી રહ્યા છે અને સાથે તાસના પત્તા વડે હારજીતનો જુગાર પણ રમી રહ્યા છે. ગુજરાતમાં કડક પ્રોહિબિશન કાયદો અમલમાં હોવા છતાં, મંજુસર પોલીસની હદમાં જ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ એકસાથે અને ખુલ્લેઆમ ચાલી રહી હોવાથી સ્થાનિક રહીશોમાં પોલીસની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ વીડિયો વાયરલ થતાં જ મંજુસર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, પોલીસની નાક નીચે જ આ પ્રકારે અસામાજિક તત્વો બેફામ બનીને દારૂ અને જુગારના અડ્ડા ચલાવી રહ્યા છે, તો શું સ્થાનિક પોલીસ તંત્ર આ સમગ્ર મામલે સાચે જ અજાણ છે કે પછી મૌન સંમતિ આપી રહ્યું છે? વીડિયોના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી દારૂ-જુગારની મહેફિલ માણતા ઇસમો અને તેમને પ્રોત્સાહન આપનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Trending

Exit mobile version