Savli

20 વર્ષનો વનવાસ: ડેસરના જુના કેસરાના મુવાડામાં રસ્તો અને પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ

Published

on

  • 20 વર્ષથી સંઘર્ષ: ડેસરના જુના કેસરાના મુવાડામાં ૨૫ પરિવારો પાયાની સુવિધાઓ માટે તરસી રહ્યા છે.
  • જોખમી માર્ગ: ભંગાર રસ્તાને કારણે વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને ઈમરજન્સી સેવાઓ માટે ભારે મુશ્કેલી.
  • અસરકારક નિરાકરણનો અભાવ: અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
  • ઉગ્ર ચીમકી: તંત્ર તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે, અન્યથા જવાબદારી અધિકારીઓની રહેશે.

ડેસર: એક તરફ આધુનિક યુગમાં વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જુના કેસરાના મુવાડા સીમ વિસ્તારની સ્થિતિ તંત્રના વિકાસના દાવાઓની પોલ ખોલી રહી છે. અંદાજિત ૨૫ પરિવારો ધરાવતા આ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

🧐સમસ્યાઓનો અંબાર:

સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે વિસ્તારમાં જતો મુખ્ય માર્ગ અત્યંત ભંગાર હાલતમાં છે. ખાસ કરીને વરસાદી મોસમમાં આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. માર્ગની ખરાબ હાલતને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડે છે. ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ પણ આ વિસ્તાર સુધી સમયસર પહોંચી શકતી નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે.

🚱પીવાના પાણીની વિકટ સમસ્યા:

માત્ર માર્ગ જ નહીં, પરંતુ પીવાના પાણીની સમસ્યા પણ છેલ્લા 20 વર્ષથી યથાવત છે. અનેક રજૂઆતો કરવા છતાં, આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ધારાસભ્ય, સરપંચ, તલાટી તેમજ સંબંધિત અધિકારીઓને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રની આંખ ઉઘડતી નથી.

🫵તંત્રને ચેતવણી:

સ્થાનિકો હવે જિલ્લા વહીવટીતંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે, વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લે અને રસ્તાનું સમારકામ તથા પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરે. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો હવે પણ તંત્ર જાગૃત નહીં થાય અને કોઈ દુર્ઘટના ઘટશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગો અને અધિકારીઓની રહેશે.

Trending

Exit mobile version