Vadodara

બાઈક હટાવવાનું કહેતા ‘રાજાભાઈ માછી’ અને તેના સાથીદારોનો એન્જિનિયરિંગના છાત્રના ઘરે જઈ આતંક

Published

on

પરિવાર ચાર રસ્તા પાસે સામાન્ય બોલાચાલી બાદ કારના કાચ તોડ્યા.

  • અદાવત રાખી બાઈક સવાર સાગરીતો સાથે યુવકના ઘરે ત્રાટક્યો.
  • પિતા-પુત્ર પર લાકડી અને પથ્થર વડે હિંસક હુમલો, જાનથી મારી નાખવાની ધમકી.
  • કપૂરાઈ પોલીસે ‘રાજાભાઈ માછી’ સહિત 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ તેજ કરી.

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ રોડરેજની એક સામાન્ય ઘટના હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ છે. શહેરના પરિવાર ચાર રસ્તા પાસે માત્ર બાઈક વચ્ચે ઊભી રાખવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં કારના કાચ તોડવામાં આવ્યા અને બાદમાં યુવકના ઘરે જઈ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

ઘટનાની વિગત મુજબ, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો મયુર પટેલ પોતાના મિત્રો દર્શન અને વિજય સાથે ઉમા ચાર રસ્તાથી નાસ્તો કરી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પરિવાર ચાર રસ્તા પાસે એક બાઈક ચાલકે અચાનક પોતાની બાઈક કારની આગળ ઊભી રાખી દીધી હતી. જ્યારે મયુરે બાઈક હટાવવાનું કહ્યું, ત્યારે બાઈક ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી પથ્થર વડે કારના કાચ તોડી નાખ્યા હતા.

પરંતુ વિવાદ અહીં જ ન અટક્યો. કાર સવાર મિત્રો ત્યાંથી નીકળી ગયા બાદ, બાઈક ચાલક જેનું નામ ‘રાજાભાઈ માછી’ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તે પોતાના અન્ય ત્રણ સાથીદારો સાથે વિજયના ઘરે પહોંચ્યો હતો. આક્ષેપ છે કે આરોપીઓએ ઘરમાં ઘૂસી વિજયના માથામાં પથ્થર માર્યો હતો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જ્યારે વિજયના પિતા વચ્ચે પડ્યા, તો તેમની સાથે પણ ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો.

આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારે કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાજાભાઈ માછી સહિત ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ મારામારી અને ધમકીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Trending

Exit mobile version