- Bitcoin રોકાણના નામે એક મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે.
- જેમાં એક મહિલાએ 1.23 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
વડોદરાના જેતલપુર વિસ્તારમાં રહેતા અનુપમા ઉપેન્દ્રભાઈ અમીન સાથે આ છેતરપિંડી થઈ છે. અનુપમાબેન તેમના માતાની સારવાર નિમિત્તે પાદરા તાલુકાના લકડીકેુઈ ગામની સ્વજન કમ્યુનિટી કેર ખાતે અવારનવાર જતા હતા.
આ દરમિયાન, તેમનો સંપર્ક બેંગ્લોરના સેમ્યુઅલ જોસેફ નામના શખ્સ સાથે થયો હતો. સેમ્યુઅલે વિશ્વાસ કેળવીને અનુપમાબેનને Bitcoin રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી હતી.
તેમની વાતોમાં આવી જઈને અનુપમાબેને અલગ-અલગ તબક્કે કુલ 1.26 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં, સેમ્યુઅલે પ્રોફિટના ભાગરૂપે થોડીક રકમ ચૂકવીને વિશ્વાસ વધુ મજબૂત કર્યો હતો.
જોકે, જ્યારે અનુપમાબેને બાકીના 1.23 કરોડ રૂપિયા પાછા માંગ્યા, ત્યારે સેમ્યુઅલ જોસેફે તેમને રકમ ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા, અનુપમાબેને તાત્કાલિક પાદરા પોલીસ સ્ટેશનમાં સેમ્યુઅલ જોસેફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.