ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા નુસખાઓ અજમાવી રહ્યા છે, પરંતુ વડોદરા જિલ્લા પોલીસે તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી એક એવું કન્ટેનર ઝડપાયું છે જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ઘટનાની વિગત એવી છે કે, જિલ્લા એલસીબી (LCB) સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે હરિયાણા પાસિંગનું એક કન્ટેનર દારૂનો મોટો જથ્થો ભરીને દુમાડ ચોકડી ક્રોસ કરી અમદાવાદ તરફ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે આજોડ નજીકના ટોલ નાકા પર રાત્રે વોચ ગોઠવી હતી.
જ્યારે શંકાસ્પદ કન્ટેનરને અટકાવવામાં આવ્યું, ત્યારે ડ્રાઈવર જુનેદખાન અને ક્લીનર રોબિનખાન (બંને રહે. મેવાત, હરિયાણા) એ એવો દાવો કર્યો હતો કે અંદર વોશિંગ મશીન અને ચીમનીઓ ભરેલી છે. જોકે, પોલીસે જીણવટભરી તપાસ કરતાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓના બોક્સની પાછળ છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
🚨પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે હરિયાણાના અમજદખાન અને અમરખાન નામના વ્યક્તિઓએ આ માલ ભરાવ્યો હતો. હાલ મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.