- સફળ રેઈડ: ઝોન-3 એલ.સી.બી. અને પાણીગેટ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં દારૂ ઝડપાયો.
- મોટો મુદ્દામાલ: 15 લાખની લક્ઝરી બસ અને 1 લાખથી વધુનો દારૂ મળી કુલ 16 લાખ જેવી મત્તા કબજે કરવામાં આવી છે.
- ચાલાકી: આરોપીએ પોલીસથી બચવા માટે બસના ચેસિસ અને એન્જિન નંબર સાથે છેડછાડ કરી હતી.
- તપાસ તેજ: મુખ્ય આરોપી જબ્બાર મલેક હાલ ફરાર છે, જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
વડોદરા: વડોદરા શહેરમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે ઝોન-3 એલ.સી.બી. ટીમને મોટી સફળતા મળી છે. અજબડી મિલના ગ્રાઉન્ડમાં લક્ઝરી બસમાં છુપાવીને રાખવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે સફળ રેઈડ કરી જપ્ત કર્યો છે.
❓શું હતી સમગ્ર ઘટના?
ઝોન-3 એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ. ફિલાધરાને ચોક્કસ બાતમી મળી હતી કે, ‘જબ્બાર ઉર્ફે જબ્બાર ઇદ્રીસી મલેક’ નામનો શખ્સ અજબડી મિલના ગ્રાઉન્ડમાં દારૂનો ગેરકાયદે ધંધો ચલાવી રહ્યો છે. તેણે દારૂનો મોટો જથ્થો એક લક્ઝરી બસમાં છુપાવી રાખ્યો છે. એટલું જ નહીં, આરોપીએ પકડ ન પડે તે માટે આ બસના ચેસિસ અને એન્જિન નંબર સાથે પણ ચેડાં કર્યા હતા.
👮પોલીસની રેઈડ અને મુદ્દામાલ:
બાતમીના આધારે પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ અને એલ.સી.બી. ઝોન-3ની ટીમે સંયુક્ત રીતે અજબડી મિલના ગ્રાઉન્ડમાં દરોડો પાડ્યો હતો. રેઈડ દરમિયાન લક્ઝરી બસ (નંબર GJ-20-B-6644) ની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 562 નંગ મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને લક્ઝરી બસ મળી કુલ રૂ. 15,97,346/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
🚨આરોપી વોન્ટેડ:
પોલીસે આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જોકે, મુખ્ય આરોપી જબ્બાર ઉર્ફે જબ્બાર ઇદ્રીસી મલેક પોલીસની પકડથી દૂર છે. હાલ પોલીસ આ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તે કોના ઈશારે આ પ્રકારનો ધંધો કરતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.