Vadodara

એમ.એસ. યુનિવર્સિટીની મોટી સિદ્ધિ: મેલેરિયાની નવી દવાને માત્ર 7 મહિનામાં જ ભારત સરકાર દ્વારા પેટન્ટ એનાયત

Published

on

  • પેટન્ટ પ્રાપ્ત: એમ.એસ.યુનિ.ના સંશોધકો દ્વારા વિકસિત મેલેરિયાની દવાને માત્ર 7 મહિનામાં ભારત સરકારની પેટન્ટ મળી.
  • મુખ્ય ઘટકો: કુમેરિન, સલ્ફોનેમાઈડ અને પિપેરાઝિન નામના ત્રણ કમ્પાઉન્ડના ઉપયોગથી હાઈબ્રિડ મોલેક્યુલર ફ્રેમવર્ક તૈયાર કરાયું.
  • બહુપક્ષીય ઉપયોગ: મેલેરિયા ઉપરાંત બેક્ટેરિયા અને એન્ટી-ફંગલ એક્ટિવિટીમાં પણ આ દવા અસરકારક સાબિત થઈ શકે છે.
  • આડઅસર મુક્ત: સામાન્ય દવાઓની જેમ ઉલ્ટી-ઉબકા જેવી આડઅસરો ન સર્જવાની સંભાવના, આગામી સમયમાં ક્લિનિકલ ટ્રાયલ લેવાશે.

વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના એપ્લાઈડ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ મેલેરિયા સામે લડવા માટે એક મહત્વપૂર્ણ દવા વિકસાવી છે, જેને ભારત સરકારના પેટન્ટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે પેટન્ટ એનાયત કરવામાં આવી છે. માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં આ પેટન્ટ મળતા યુનિવર્સિટી અને સંશોધકોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

🧐શું છે આ દવાની વિશેષતા?

પ્રાપ્ત વિગતો મુજબ, આ નવી દવા બનાવવા માટે સંશોધકો દ્વારા કુમેરિન, સલ્ફોનેમાઈડ અને પિપેરાઝિન નામના ત્રણ મહત્વના કમ્પાઉન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડો. પ્રદીપ દેઓતાના માર્ગદર્શન હેઠળ આ સંશોધન કરનાર નિધિ કહારના જણાવ્યા અનુસાર, આ હાઈબ્રિડ મોલેક્યુલર ફ્રેમવર્ક આધારિત દવામાં મેલેરિયાની પ્રખ્યાત દવા ‘ક્લોરોક્વિન’ જેવા જ ગુણધર્મો જોવા મળ્યા છે. લેબોરેટરીમાં સેલ પર કરાયેલા પ્રયોગોમાં આ દવા મેલેરિયા ઉપરાંત બેક્ટેરિયા અને ફંગલ ઇન્ફેક્શન સામે પણ લડવાની ક્ષમતા ધરાવતી હોવાનું સામે આવ્યું છે.

બજારમાં ઉપલબ્ધ મેલેરિયાની કેટલીક પરંપરાગત દવાઓના કારણે દર્દીઓને ઉલ્ટી, ઉબકા અને માથાનો દુખાવો જેવી આડઅસરો (Side Effects) થતી હોય છે, પરંતુ આ નવી દવા આવી કોઈ આડઅસર નહીં કરે તેવી પ્રબળ શક્યતા છે. જોકે, માનવ જીવન પર તેના વાસ્તવિક પરિણામો ચકાસવા માટે આગામી સમયમાં દવાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવશે.

Trending

Exit mobile version