બે વ્યક્તિઓના મોત:ગુજરાતના ઇન્સ્ટ્રક્ટર સચિન ભાટિયા અને ટ્રેઇની અભિષેક પૂજારીનું દુઘટનામાં કરુણ મૃ*ત્યુ.
તંત્રની ત્વરિત કાર્યવાહી:ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી વિસ્તાર કોર્ડન કરાયો.
ઉચ્ચસ્તરીય તપાસ:વર્ષ ૨૦૨૩માં સામેલ કરાયેલા આ વિમાન અંગે ડીજીસીએ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરના ગંગા બેરેજ પાસે આજે એક ગમખ્વાર ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ ભયાનક દુર્ઘટનામાં પ્લેનમાં સવાર પાયલટ અને કો-પાયલટ બંનેના કરુણ મો*ત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલું ટ્રેનિંગ એરક્રાફ્ટ ‘ગર્ગ એવિએશન’ સેન્ટરનું હતું. કાનપુરના નત્થા ખેડા વિસ્તારમાં ગંગા બેરેજ પાસે વિમાન ક્રેશ થતાં જ સ્થાનિક લોકોએ તુરંત ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. પોલીસ કમિશનર રઘુવીર લાલના જણાવ્યા અનુસાર, આ ચાર સીટર વિમાને સવારે સાડા અગિયાર વાગ્યે ઉડાન ભરી હતી અને લગભગ ૧૧:૫૦ વાગ્યે તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
આ ગોઝારી અકસ્માતમાં ગુજરાતના રહેવાસી ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર સચિન ભાટિયા અને કર્ણાટકના વતની ટ્રેઇની અભિષેક પૂજારીનું નિધન થયું છે. ઇન્સ્ટ્રક્ટર પાસે ૩૦૦૦ કલાકથી વધુ ઉડાન ભરવાનો અનુભવ હતો. ટેક્નમ કંપનીના આ વિમાનને વર્ષ ૨૦૨૩માં જ ટ્રેનિંગ માટે ફ્લીટમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીજીસીએ (DGCA) ને જાણ કરી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.