- બેવડી નીતિના આક્ષેપો: સામાન્ય નાગરિકોના વાહનો ટોઇંગ કરનાર તંત્ર સરકારી વાહનો સામે ચૂપ કેમ? તેવો સવાલ.
- પોલીસ સ્ટેશનો અને મનપા કચેરીઓ સામે દ્રશ્યો: રાવપુરા, સયાજીગંજ અને ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ખુદ તંત્રના વાહનો રસ્તો રોકે છે.
- ટ્રાફિક અને અસુવિધા: રસ્તાઓ પર વાહનો અને સામાન પડ્યો રહેવાથી નાગરિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી અને ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે.
- નગરજનોની લોકમાગ: નિયમો તમામ માટે સમાન હોવા જોઈએ અને વ્હાલા-દવલાની નીતિ બંધ કરી સરકારી વાહનો સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
વડોદરા: વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોના પાલનને લઈને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. એક તરફ સામાન્ય નાગરિકો દ્વારા રસ્તા પર કે નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ દ્વારા ત્વરિત ટોઇંગ કરી દંડ વસૂલવામાં આવે છે, તો બીજી તરફ સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો અને વીજ કંપનીની ઓફિસોની બહાર પાર્ક થતા વાહનો સામે આંખ આડા કાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
🧐ક્યાં ક્યાં જોવા મળી રહી છે સમસ્યા?
શહેરના રાવપુરા, કુંભારવાડા, સયાજીગંજ અને નવાપુરા સહિતના પોલીસ સ્ટેશનોની બહાર જ પોલીસ અને અન્ય સરકારી વાહનો રસ્તા પર આડેધડ પાર્ક કરવામાં આવે છે. જે પોલીસ તંત્ર પર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની જવાબદારી છે, તેના જ વાહનો રસ્તાઓ રોકતા સામાન્ય નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, ખંડેરાવ માર્કેટ બહાર મહાનગરપાલિકાની દબાણ શાખાના વાહનો જ રસ્તા પર પાર્ક થતા હોવાના કિસ્સા સામે આવ્યા છે, જે તંત્રની બેવડી નીતિ ઉજાગર કરે છે.
આ જ પ્રકારે બરાનપુરા, અલકાપુરી, સરદાર એસ્ટેટ અને રાવપુરા સહિતના વિસ્તારોમાં આવેલી વીજ કંપનીની કચેરીઓ અને સબ-સ્ટેશનો પાસે પણ રસ્તાની બાજુમાં વીજ સામાન અને કંપનીના વાહનો ખડકાયેલા રહે છે. જેના કારણે પહેલેથી જ વ્યસ્ત રહેતા માર્ગો વધુ સાંકડા બને છે અને વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. નગરજનોની સ્પષ્ટ માંગ છે કે ટ્રાફિક અને દબાણના નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ નહીં, પરંતુ સરકારી તંત્રો અને ખાનગી કચેરીઓ માટે પણ સમાન રીતે લાગુ થવા જોઈએ.