Editor's Exclusive

બરોડા ડેરીના 10 ડિરેક્ટરોની મંડળીઓમાં કલમ 81ની નોટિસ આપવામાં રાજકીય કિન્નખોરી?,બાકી રહેલા ત્રણ ડિરેક્ટરોના ઓડિટ અહેવાલે પોલ ખોલી!

Published

on

  • ચૂંટણી પુરી થયા બાદ તુરંત ચૂંટાયેલા 13 ડિરેક્ટરોની મંડળીમાં સરકારે ઓડીટર મૂકીને આટલા વર્ષોથી બાકી રહેલું ઓડિટ કરાવ્યું હતું.
  • 13 ડિરેક્ટરોની મંડળીઓમાં થયેલા ઓડિટમાં તમામ ઓડિટરોએ ઓડિટ અહેવાલ જીલ્લા રજીસ્ટ્રારને સોંપ્યો હતો.
  • આ ઓડિટ અહેવાલના આધારે વડોદરા અને છોટાઉદેપુરના 10 ડિરેક્ટરોને કલમ 81 હેઠળ તેઓની મંડળીઓમાં વહીવટદાર મુકવા નોટિસ આપવામાં આવી હતી.
  • સાવલીની બાલાનાપુરા,પોઈચા અને વડોદરાની મુઝારગામડીના ઓડિટ અહેવાલ બાદ પણ નોટિસ મળી ન હતી.
  • સાવલીની બાલાનાપુરા માંથી સુરપાલસિંહ પરમાર,પોઈચા માંથી રામસિંહ પરમાર તેમજ વડોદરા તાલુકાના મુઝારગામડી માંથી પાર્થિવ શૈલેષભાઇ પટેલ ઠરાવ કરીને ચૂંટણી લડયા હતા.
  • ત્રણેય મંડળીઓના ઓડિટર દ્વારા થયેલા ઓડિટ અહેવાલે સહકારી રજીસ્ટ્રારના પક્ષપાતી વલણ અને રાજકીય કિન્નખોરીનો પોલ ખોલી દીધી છે.
  • ત્રણેય મંડળીઓના ઓડિટરે જીલ્લા સહકારી રજીસ્ટ્રારને બે મંડળીમાં કલમ 81 હેઠળ અને એક મંડળીમાં કલમ 76બી હેઠળ કાર્યવાહી કરવા ઓડિટ અહેવાલમાં લેખિતમાં ભલામણ કરી,છતાંય કાર્યવાહી કરાઈ નહીં !

(મૌલિક પટેલ – એડિટર) વડોદરા જીલ્લાના સહકારી અગ્રણી સામે સરકારમાં બેઠેલા કેટલાક નેતાઓએ શરૂ કરેલું શીત યુદ્ધ હવે ધીમે ધીમે આંતરિક પોલ ખોલી રહ્યું છે. ભાજપના મેન્ડેટની ઉપરવટ થઈને બિનહરીફ થતા સહકારી નેતાઓની રાજકીય કારકિર્દી તહેશનહેસ કરવા માટે બરોડા ડેરીની ચૂંટણી પુરી થયા બાદ તમામ ડિરેક્ટરો જે મંડળી માંથી ઠરાવ કરીને ચૂંટણી લડ્યા હતા તે તમામ મંડળીઓમાં તત્કાલિક ઓડિટનો હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ 13 ડિરેકટરની મંડળીઓમાં ઓડિટ થયા હતા. આ ઓડિટ બાદ ઓડિટર દ્વારા જીલ્લા સહકારી રજિસ્ટ્રારને લેખિત ઓડિટ અહેવાલ સુપત્ર કર્યો હતો. જેના આધારેજે ત્રણ ડિરેક્ટરોની મંડળીને નોટિસ નથી મળી,તેના ઓડિટ અહેવાલ આજે સાર્વજનિક થતા સહકાર વિભાગ દ્વારા જાણે વ્યક્તિગત સ્કોર સેટલ કરવા નોટીસનું શસ્ત્ર ઉગામ્યુ હોય તેના જીવંત પુરાવાઓ સામે આવ્યા છે.

સાવલીની બાલાનાપુરા,પોઇચા અને વડોદરા તાલુકાની મુઝારગામડી મંડળીને નોટિસ નથી મળી


બરોડા ડેરીની ચૂંટણી બાદ તમામ ડિરેક્ટરોને જે રીતે નોટિસ બજવણી કરવામાં આવી છે તે જોતા તો તમામ ડિરેક્ટરો ડેરીનો વહીવટ કરવા માટે ગેરલાયક હોય તેવું સાબિત કરવાના પ્રયત્નો થતા હોય તેવું લાગી રહ્યું છે. કલમ 81 હેઠળ 10 ડિરેક્ટરોની મંડળીમાં “વહીવટદાર કેમ નિયુક્ત ન કરવા?” તે અંગે મૂકવામાં આવેલા ઓડિટરો દ્વારા ઓડિટ અહેવાલ થયા બાદ નોટિસની બજવણી જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા કરવામાં આવી છે. વડોદરા તેમજ છોટાઉદેપુરના બરોડા ડેરીના ડિરેક્ટરોની મંડળીઓ માં વહીવટદાર મુકાઈ જાય તો તેઓ પોતે ડિરેક્ટર પદેથી ગેરલાયક થાય તેવી યોજના કરવામાં આવી હતી જોકે 13 પૈકી ફક્ત 10 ડિરેક્ટરોને જ નોટિસ મળી છે ત્યારે બાકીના ત્રણ ડિરેક્ટરની મંડળીઓમાં શું ઓડિટ અહેવાલ થયો તેની તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો છે.

પ્રથમ વાર ચૂંટણી લડીને જીતેલા ડેસરના ડિરેક્ટરની મંડળીમાં કલમ 81 હેઠળનો ઓડિટ અહેવાલ થયો

સહકારી રાજકારણમાં ઉથલપાથલની શરૂઆત સાવલી તાલુકાથી થઈ હતી. સાવલી ધારાસભ્ય કેતન ઈનામદારે પાછલા 6 વર્ષથી બરોડા ડેરીના વહીવટકર્તાઓ સામે આંદોલન છેડયું હતું. જેમાં ધારાસભ્યની સામે પડેલા ડેસરના તત્કાલીન ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીને સત્તાથી દૂર કરવા માટે તમામ હથકંડાઓ અપનાવવામાં આવ્યા હતા. ડેરીની ચૂંટણી દરમિયાન કુલદીપસિંહ રાઉલજીની મંડળીના તાળા તોડીને ઓડિટરોએ ચોપડાઓ કબ્જે લઈને ઓડિટ કર્યું હતું. જ્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ વિજેતા થયેલા કેતન ઇનામદાર જૂથના સુરપાલસિંહ પરમારની બાલાનાપુરા મંડળીમાં પણ બોરસદથી મુકવામાં આવેલા ઓડિટર આર.આર માહિડાએ 25/05/2026એ જીલ્લા સહકારી રજિસ્ટ્રાર વડોદરાને ઓડિટ રિપોર્ટ સુપત્ર કર્યો હતો જેમાં 7મુદ્દાઓ સાથે સહકારી કાયદાઓ હેઠળ કલમ 81 પ્રમાણે કાર્યવાહી કરવા ભલામણ કરી હતી. જોકે આજદિન સુધી બાલાનાપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને જીલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા કોઈ નોટિસ ઈશ્યુ કરવામાં આવી ન હોવાની માહિતી મળી છે.

મુજારગામડી દૂધ મંડળીને વિરુદ્ધ ઓડિટરે કલમ 76 બી હેઠળ ખાસ અહેવાલ કર્યો

બીજી તરફ વડોદરા તાલુકાના ડિરેકટર પાર્થિવ શૈલેષભાઇ પટેલ પણ બરોડા ડેરીમાં પ્રથમ વાર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. તેઓએ જ્યાથી ઠરાવ કર્યો હતો તે મુજારગામડી દૂધ મંડળીમાં પેટલાદથી આવેલા ગ્રેડ 1 ઓડિટર પી.યુ પટેલ દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું. જેનો ઓડિટ અહેવાલ 01/04/2026ના રોજ જીલ્લા સહકારી રજિસ્ટ્રારને મોકલી આપવામાં આવ્યો હતો. આ ઓડિટ અહેવાલમાં “વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ મંડળીના રેકોર્ડમાં છેડછાડ કરીને ખોટી માહિતી રજૂ કરીને નવા પ્રમુખની વરણી ખોટી રીતે કરવામાં આવેલ હોવાનું” જણાવીને કલમ 76બી હેઠળ ખાસ અહેવાલ જીલ્લા સહકારી રજિસ્ટ્રારને કરવામાં આવ્યો હતો. સહકારી કાયદાની સૌથી ગંભીર ગણાતી કલમ હેઠળ કાર્યવાહી કરવા સૂચવ્યું હોવા છતાંય જીલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા મુજારગામડી દૂધ મંડળીને કોઈ નોટિસ આપેલ નથી. તે પણ સહકારી રજિસ્ટ્રારની કચેરી દ્વારા પક્ષપાતી વલણ રાખ્યું હોય તેમ સૂચવે છે.

સાવલીના ડિરેક્ટર રામસિંહ પરમારની મંડળીને પણ કલમ 89 હેઠળ ઓડિટ અહેવાલ થયો

પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી ઝોનના ડિરેક્ટર રામસિંહ પરમારની પોઇચા દૂધ મંડળીનો પણ કમલ 89 હઠળનો ઓડિટ અહેવાલ થયો છે. જોકે હાલ સુધી તેઓની દૂધ મંડળીમાં કલમ 89 હેઠળ મંત્રીને પદ પરથી દૂર કરવા બાબતની નોટિસ મળી નથી. ડેરીના 13 ડિરેકટરો પૈકી 10 ડિરેકટરોને ઓગસ્ટ મહિનાના પ્રારંભ માંજ નોટિસ મળી ગઈ હોય તો બાકીના ત્રણ ડિરેક્ટરની મંડળીના ઓડિટ અહેવાલ પ્રમાણે નોટિસ કેમ ઈશ્યુ ન કરાઇ તે અંગે સવાલ ઉભો થાય છે.

આ અંગે વડોદરાના ઇન્ચાર્જ જીલ્લા સહકારી રજિસ્ટ્રાર અભિષેક સુવા સાથે થયેલી વાતચીત પ્રમાણે તેઓએ જણાવ્યું હતું કે, બરોડા ડેરીના જે 10 ડીરેક્ટરોને નોટિસ આપવામાં આવી હતી, તેઓને પોતાનો જવાબ રજૂ કરવા માટે હિયરિંગ રાખવામાં આવ્યું હતું. જ્યાં તેઓએ સમય માંગતા આજે 24 ઓગસ્ટના રોજ ફરી સુનવણી હાથ ધરવામાં આવશે. જો આજે તેઓ જવાબ રજૂ નહીં કરે તો બે વખત સાંભળવાની તક આપ્યા બાદ પણ જવાબ રજૂ ન કરે તો અંતિમ નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ જે ત્રણ ડિરેક્ટરની મંડળીને નોટિસ નથી મળી તે અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, ઓડિટ અહેવાલ થઈ ગયા હોય અને નોટિસ ઈશ્યુ કરવાની બાકી હોય તેવી હજી 12 જેટલી મંડળીઓ છે. જે ત્રણ ડિરેક્ટરની મંડળીની વાત છે. તેઓને પણ આગળના સમયમાં નોટિસ ઈશ્યુ કરવામાં આવશે.

Trending

Exit mobile version