કાફલો અને ઉપસ્થિતિ:TDO, મામલતદાર, સરપંચ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી અને ક્રેન દ્વારા કાર્યવાહી કરાઈ.
ઘર્ષણના દ્રશ્યો:ડિમોલિશન દરમિયાન સ્થાનિક રહીશો અને સત્તાધીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આગામી કાર્યવાહી:નગરને કાયમી ધોરણે ટ્રાફિક અને દબાણમુક્ત કરવા માટે આ ઝુંબેશ સતત ચાલુ રહેશે.
કવાંટ: કવાંટ નગરમાં ગ્રામ પંચાયતની સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો અને તેના કારણે સતત સર્જાતી ટ્રાફિકની સમસ્યાથી નગરજનોને કાયમી મુક્તિ અપાવવા માટે આજે વહીવટી તંત્ર દ્વારા આક્રમક વલણ અપનાવીને મેગા ડિમોલિશન ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. રસ્તાઓ પર થયેલા અતિક્રમણને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેના પગલે આ સખત પગલું ભરવામાં આવ્યું છે.
🧐અગાઉ અપાઈ હતી ચેતવણી:
આ મહા-ઝુંબેશ હાથ ધરતા પહેલા તંત્ર દ્વારા બે દિવસ અગાઉ જ કવાંટ તાલુકા વિકાસ અધિકારી (TDO), મામલતદાર તેમજ ગ્રામ પંચાયત દ્વારા નગરમાં માઈક ફેરવીને જાહેરાત કરાઈ હતી. જેમાં દબાણકર્તાઓને દુકાનોની બહાર કાઢેલી છતો, કાચા-પાકા શેડ તેમજ રસ્તા પર મુકેલા લારી-ગલ્લા અને કેબિનો જાતે જ હટાવી લેવા કડક સૂચના અપાઈ હતી.
🚨જેસીબી અને પોલીસના કાફલા સાથે મેગા ડિમોલિશન:
પૂર્વ આયોજન મુજબ આજે સવારે 10વાગ્યે તંત્ર દ્વારા જેસીબી મશીનો, ક્રેન અને હટાવાયેલો સામાન ભરી જવા માટે ટ્રેક્ટરોના વિશાળ કાફલા સાથે તાલુકા પંચાયત કચેરીથી નસવાડી અને બોડેલી રોડ પર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન કવાંટ TDO, મામલતદાર, સરપંચ, ઉપસરપંચ અને પંચાયતના સદસ્યો સહિતનો મોટો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. કામગીરી દરમિયાન કેટલાક રહીશો અને સત્તાધીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ચકમક ઝરવાના દ્રશ્યો પણ સર્જાયા હતા, પરંતુ પોલીસ બંદોબસ્તને કારણે પરિસ્થિતિ કાબૂમાં રહી હતી. તંત્રની આ સખ્તાઈ જોઈને અન્ય વેપારીઓએ પણ પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવાનું શરૂ કરી દીધું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કવાંટ નગર સંપૂર્ણપણે દબાણમુક્ત ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.