કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક: કારમાંથી મળી આવી દેશી દારૂની બોટલ.
નિર્દોષો લોહીલુહાણ: tvs એક્સેસ સવાર મહિલા અને રિક્ષાચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત.
લોકોનો ભારે રોષ: વડોદરા પોલીસની છબી ખરડાઈ, મકરપુરા પોલીસે કરી અટકાયત.
વડોદરામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર પોલીસ તંત્રને શર્મસાર કરી દીધું છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતી આ ઘટના ખુદ એક પોલીસકર્મીએ જ અંજામ આપી છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં નશામાં ધૂત એક પોલીસકર્મીએ રસ્તા પર મોતનું તાંડવ ખેલ્યું હતું.
ઘટનાની વિગત એવી છે કે, આજે શહેરના વ્યસ્ત ગણાતા મકરપુરા રોડ પર પ્રતાપનગર બ્રિજ પાસે બરોડા ડેરી નજીક એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ફૂલ સ્પીડમાં આવી રહેલી આ કારે જોતજોતામાં એક TVS એક્સેસ સવાર મહિલા અને રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલા રોડ પર ફંગોળાઈ હતી. આટલેથી ન અટકતા આ બેફામ કારે રોડ સાઈડમાં ઉભેલી અન્ય એક ગાડીને પણ અડફેટે લીધી હતી.
🧐લોકોના આક્ષેપો અને સ્થળ પરની સ્થિતિ
સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ જ્યારે કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યો ત્યારે લોકોના હોશ ઉડી ગયા હતા. કાર ચલાવનાર શખ્સ પોલીસ વર્ધીમાં હતો અને તે નશામાં સંપૂર્ણપણે ધૂત હતો. ચોંકાવનારી વાત તો એ છે કે તપાસ દરમિયાન પોલીસકર્મીની કારમાંથી દેશી દારૂની બોટલ પણ મળી આવી હતી. જે પોલીસ પર રાજ્યમાં દારૂબંધી કરાવવાની જવાબદારી છે, તે જ પોલીસ દારૂ પીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
🚑ઈજાગ્રસ્તોની સ્થિતિ
આ અકસ્માતમાં મહિલા અને રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
🚨પોલીસ કાર્યવાહી
આજરોજ મકરપુરા હજીરા પાસે ગોકુલનગર સોસાયટી નજીક કાર નંબર GJ-18-BJ-1496 ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. મકરપુરા પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
📍મુખ્ય મુદ્દાઓ:
✓આરોપીની અટકાયત: પકડાયેલ આરોપી રાજેશભાઈ ધનજીભાઈ પાંડવ (રહે. અરવલ્લી) એસ.આર.પી. ગ્રુપ-૧૨ ગાંધીનગરના કર્મચારી છે અને હાલ વડોદરા ખાતે SDRF ની તાલીમમાં હતા. ✓નશાની હાલત: અકસ્માત સમયે આરોપી દારૂ પીધેલી હાલતમાં હતો અને કારમાંથી દેશી દારૂની બોટલ પણ મળી આવી છે. ✓કાયદેસરની કાર્યવાહી: આરોપી વિરુદ્ધ બી.એન.એસ. (BNS) ની કલમો, મોટર વ્હીકલ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ મુજબ બે અલગ-અલગ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
🫵વડોદરામાં બનેલી આ ઘટના બાદ હવે જનતા સવાલ પૂછી રહી છે કે, જો કાયદાના રક્ષકો જ આ રીતે નશામાં ચૂર થઈને રસ્તા પર નીકળશે, તો સામાન્ય જનતાની સુરક્ષા કોના ભરોસે? શું આ પોલીસકર્મી સામે કડક દાખલો બેસાડવામાં આવશે?