કરજણ નગરપાલિકાની ચુંટણી બાદ હવે પ્રમુખ પદની ચાલી રહેલી દાવેદારીમાં ભાજપના નેતાઓએ પોતપોતાના પ્રમુખ પદના દાવેદારો માટે જોર લગાવ્યું છે. જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ કરજણ નગરપાલિકાની ચુંટણીના “સ્વઘોષિત પ્રભારી” એવા ડો. વિજય શાહ દ્વારા પોતાના એક માનીતા ઉમેદવારને પ્રમુખ પદનો તાજ મળે તે માટેની તૈયારીઓ શરુ કરી છે. મહિલા બેઠક હોવાથી નગરપાલિકા પ્રમુખ માટે બે મુખ્ય ચહેરાઓ દાવેદારી કરી રહ્યા છે. જેમાં ઈલાબા અટાલીયા અને નેહાબેન શાહ એમ બે મજબુત દાવેદારો ઉભરીને આવ્યા છે. ત્યારે આજે વિજેતા તમામ ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પ્રબળ દાવેદારો પૈકી ઈલાબા અટાલિયા અગાઉ વર્ષ 2012માં કોંગ્રેસ માંથી નગરપાલિકા પ્રમુખ પદે બિરાજમાન હતા જ્યાં તેઓ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી હતી અને તેઓને કોંગ્રેસના જ સભ્યોએ પદ પરથી ઉતારી દીધા હતા. જે બાદ તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અને નગરપાલિકામાં ભાજપની પેનલ માંથી ચુંટણી લડીને આ વખતે વોર્ડ 1 માંથી વિજેતા થયા છે. મહત્વનું છે કે, ઈલાબા અટાલીયાના પતિદેવ જયસિંહ સરદારસિંહ અટાલીયાનો ભૂતકાળ ખુબ ખરડાયેલો છે. જ્યાં ભૂતકાળમાં તેઓને પાસા પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે ભાજપ રૂપી વહેતી ગંગામાં પાપ ધોવાથી પવિત્ર થઈ જવાય છે. ત્યારે હવે તેઓના 60+ ઉમર ધરાવતા પત્ની ઈલાબા જાડેજાની પ્રમુખ પદ માટેની દાવેદારી કેટલી ટકી રહેશે તે આવનાર સમયમાં સામે આવશે.
તો બીજી તરફ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ કરજણ નગરપાલિકાની ચુંટણીના “સ્વઘોષિત પ્રભારી” એવા ડો. વિજય શાહના નિકટના કહેવાતા વડોદરા શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી વૃશાંગ શાહના માતા નેહાબેન શાહની દાવેદારી વધુ મજબુત બની છે. નેહાબેનના સસરા લગભગ 6 ટર્મથી કરજણ નગરપાલિકામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટાઇ આવતા હતા. વોર્ડ 6ના વિજેતા ઉમેદવાર નેહાબેન અને તેઓનો પરિવાર વડોદરા શહેરમાં સ્થાયી થયો છે. જોકે તેઓના પરિવારના રાજકીય મુળિયા કરજણ નગરપાલિકામાં જોડાયેલા છે. ધારાસભ્ય અને શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહના મજબુત સમર્થન સાથે તેઓની દાવેદારી પણ વધુ પ્રબળ છે. પણ શહેર અને જીલ્લા બંનેના રાજકારણમાં શક્રિય રહેતા પરિવારમાં એક જ હોદ્દો મળી શકે તેવી સ્થિતિ સર્જાય તો નેહાબેનની દાવેદારી પર પણ પૂર્ણવિરામ મુકાઈ જાય તેવી સ્થિતિ છે.
આગામી 28 તારીખે નિરીક્ષકો દ્વારા સંભવિત ઉમેદવારો અને ચુંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆત પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં મુકવામાં આવશે. જે બાદ પ્રમુખ પદના નામની જાહેરાત થશે.