Karjan-Shinor

સાધલીના નામચીન બુટલેગર રોનક પાટણવાડિયાના સામ્રાજ્ય પર SMCનો સપાટો

Published

on

  • બજાર સમિતિના શોપિંગ સેન્ટરની બિલકુલ પાછળ રોનકે દૂધ કેન્દ્રની જેમ શરાબનું કેન્દ્ર ખોલ્યું હતું, SMCએ 10 લાખનો મુદ્દામાલ પકડ્યો

વડોદરા જીલ્લામાં વિદેશી શરાબનું વેચાણ કરતા તત્વો બેફામ થયા છે તેનો પુરાવો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગત રોજ આપી દીધો છે. જેમાં શિનોર પોલીસ મથક વિસ્તારમાં સાધલી આઉટ પોસ્ટની હદમાં બુટલેગર રોનક પાટણવાડિયા દ્વારા વિદેશી શરાબનું વેચાણ અને કટિંગ ઝડપી પાડીને SMCએ 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

SMCના કર્મચારી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, શિનોર તાલુકાના તેરસા ગામે રોનક પાટણવાડિયા નામનો શખ્સ વિદેશી શરાબના જથ્થાનો સંગ્રહ કરીને તેનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે સ્થળ પર જઈને દરોડો પાડતા એક ઓરડી પાસે સ્કોર્પિયો કાર સાથે બે ઈસમો ઉભા હતા.

SMCના સ્ટાફ દ્વારા બંનેને ઝડપી પાડીને કારમાં જોતા સ્કોર્પિયો કારની અંદર વિદેશી શરાબની પેટીઓ પડેલી હતી. SMCએ બંનેની પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ રોનક ભોગીલાલ પાટણવાડિયા તેમજ શોએબ કમરુદ્દીન રાઠોડ જણાવ્યું હતું. તેઓની સાથે રાખીને ઓરડીમાં જોતા ઓરડીમાં વિદેશી શરાબની વિવિધ બ્રાન્ડની વધુ પેટીઓ મળી આવી હતી. પોલીસે શરાબનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ કરતા આ શરાબનો જથ્થો નંદુરબાર ખાતેથી પિન્ટો નામના શખ્સે ભરી આપ્યો હોવાની બુટલેગર રોનકે કબૂલાત કરી હતી.

Advertisement

SMCએ બુટલેગર રોનક પાટણવાડિયા સહિત અન્ય એક આરોપી વિરૂદ્ધ સ્થાનિક પોલીસ મથકે ગુન્હો નોંધીને એક સ્કોર્પિયો કાર તેમજ વિદેશી શરાબના જથ્થા અને મોબાઈલ ફોન મળીને 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

બે દિવસ પહેલા સ્થાનિક પોલીસને જાણ કરાઈ, છતાંય કાર્યવાહી થઈ નહીં!

Advertisement

મહત્વનું છે કે, જીલ્લામાં ચાલતા અનૈતિક વેપલાઓ અંગે જાગૃત નાગરિકો સ્થાનિક પોલીસને કાયદેસર પદ્ધતિથી જાણ કરતા હોય છે. જેમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગુપ્ત માહિતી પણ આપવામાં છે. બુટલેગર રોનક પાટણવાડિયાના શરાબના વેપલાં અંગે બે દિવસ પૂર્વે જ એક જાગૃત નાગરિક દ્વારા પોલીસ કંટ્રોલરૂમ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસના બે જવાનો દર્શાવેલ સ્થળે રેડ કરવા પણ પહોંચ્યા હતા. જોકે તેઓને ધોળા દિવસે અને ખુલ્લી આંખે કઈ મળ્યું ન હતું. શું આવી ઘોર બેદરકારી સાથે કામગીરી કરતા પોલીસ જવાનો વિરુદ્ધ જીલ્લા પોલીસ વડા કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરશે? સ્થાનિક પોલીસે તેજ સમયે અસરકારક કાર્યાવહી કરી હોત તો આજે SMCના દરોડામાં સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થતા નહીં!

Advertisement

Trending

Exit mobile version