પોલીસ તપાસ:5 નામજોગ અને અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ, પોલીસની તપાસ ચાલુ.
કરજણ: છોટાઉદેપુર જિલ્લાના ખોડવાણિયા ગામના એક ખેડૂત સાથે રાજાશાહી સમયના સોનાના સસ્તા સોદાની લાલચ આપીને 7 લાખ રૂપિયાની છેતરપિંડી થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ અસલી સોનાનો મણકો બતાવીને ખેડૂતના વિશ્વાસનો લાભ લીધો હતો અને ત્યારબાદ નકલી દાગીના પધરાવી રફુચક્કર થઈ ગયા હતા.
❓શું બની સમગ્ર ઘટના?
ખોડવાણિયાના ખેડૂત ઈશ્વરભાઈ રાઠવા પોતાની માતાની સારવાર માટે વાઘોડિયાની હોસ્પિટલમાં જતા હતા, ત્યારે હોસ્પિટલ બહાર મુલાકાત થયેલા અજાણ્યા શખ્સોએ તેમને પોતાની પાસે રાજાશાહી સમયનું સોનું હોવાની વાત કરી લાલચમાં લીધા હતા. પોતાની ચાર દીકરીઓના લગ્નની ચિંતામાં રહેલા ખેડૂતે જમીન ગીરવે મૂકી અને સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઈ કુલ 7 લાખ રૂપિયાની રકમ ભેગી કરી હતી.
🧐ઠગાઈની નવી રીત
ખેડૂતનો વિશ્વાસ જીતવા માટે ઠગ ટોળકીએ પહેલા તેમને અસલી સોનાનો મણકો ચકાસવા આપ્યો હતો. ત્યારબાદ, કરજણ બ્રિજ નીચે ખેડૂતને બોલાવી રૂ. 7 લાખ રોકડા મેળવી લીધા હતા અને બદલામાં દાગીના ભરેલી થેલી આપીને ફરાર થઈ ગયા હતા. ઘરે જઈને તપાસ કરાવતા આ દાગીના સંપૂર્ણપણે નકલી હોવાનું બહાર આવતા ખેડૂતના હોશ ઉડી ગયા હતા.
👮પોલીસ ફરિયાદ:
આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં દાદ્યાભાઈ ઉર્ફે રામભાઈ હિમરવાડી, વિજયભાઈ બારોટ, મીરાબેન રાઠોડ અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. કરજણ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.