Vadodara

વડોદરામાં જન્મદિવસની શુભેચ્છા આપવી વિદ્યાર્થીને પડી ભારે, શિક્ષકે કાનના પરદા ફાટી જાય તેવો માર માર્યો!

Published

on

  • શરમજનક ઘટના: ભૂલથી જન્મદિવસ વિશ કરવા બદલ શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો.
  • ગંભીર ઈજા: શિક્ષકના મારને કારણે વિદ્યાર્થીના કાનના પરદામાં તકલીફ, હોસ્પિટલમાં સારવાર લેવી પડી.
  • વાલીઓનો હોબાળો: શાળા સંચાલકો સામે વાલીઓનો ઉગ્ર વિરોધ અને શિક્ષક સામે પગલાં લેવાની માંગ.
  • પોલીસ મધ્યસ્થી: મામલો નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચતા અંતે બંને પક્ષે સમાધાન થયું.

વડોદરા: વડોદરાના સિદ્ધનાથ તળાવ પાસે આવેલી જાણીતી ‘લિટલ ફ્લાવર સ્કૂલ’માં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં એક શિક્ષકે માસૂમ વિદ્યાર્થીને જન્મદિવસની શુભેચ્છા આપવા જેવી નાની બાબતમાં એટલી નિર્દયતાપૂર્વક માર માર્યો કે વિદ્યાર્થીના કાનના પરદામાં ગંભીર ઈજા પહોંચી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, શાળામાં ફરજ બજાવતા શિક્ષક જયેશ પરમાર ક્લાસરૂમમાં હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ તેમને ભૂલથી ‘હેપ્પી બર્થડે’ કહીને શુભેચ્છા પાઠવી હતી. હકીકતમાં તે દિવસે શિક્ષકનો જન્મદિવસ નહોતો. વિદ્યાર્થીઓની આ નાનકડી મજાક અથવા તો ગેરસમજથી શિક્ષક જયેશ પરમાર એટલા ઉશ્કેરાઈ ગયા કે તેમણે શિસ્તના નામે હદ વટાવી દીધી. શિક્ષકે એક વિદ્યાર્થીને ક્લાસરૂમની બહાર ખેંચી જઈને તામડતોડ લાફા ઝીંકી દીધા હતા.

🧐ગંભીર ઈજા અને પરિવારનો આક્રોશ:

શિક્ષકના આ અમાનવીય વર્તનને કારણે વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો. ઘરે ગયા બાદ તેને કાનમાં અસહ્ય દુખાવો થતા પરિવાર તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તપાસમાં માલુમ પડ્યું કે વિદ્યાર્થીને કાનના પરદામાં ઈજા થઈ છે. પોતાના સંતાન સાથે થયેલી આ ક્રૂરતા જાણીને વાલીઓ અને સગા-સંબંધીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા અને શાળા સંચાલકોને ઘેરી લઈ ભારે હોબાળો મચાવ્યો હતો.

🚨પોલીસ મધ્યસ્થી અને સમાધાન:

મામલો નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે બંને પક્ષોને બોલાવી કાયદાકીય તજવીજ હાથ ધરી હતી. અંતે શાળા પ્રશાસનની માફી અને સમાજિક અગ્રણીઓની મધ્યસ્થી બાદ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમાધાન થયું હતું. જોકે, આ ઘટનાએ શાળામાં બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં અનેક પ્રશ્નો અને ભયની લાગણી ઊભી કરી છે. શું શાળા પ્રશાસન આવા શિક્ષકો સામે કોઈ કાયમી પગલાં લેશે? તેવો સવાલ હવે વાલીઓ ઉઠાવી રહ્યા છે.

Trending

Exit mobile version