સરકાર દ્વારા સહકારી ક્ષેત્રમાં નવી લીડરશીપ તૈયાર કરવા મોટા પ્રમાણમાં બંધારણમાં સુધારા કરે છે ત્યારે ભાજપ સંગઠનને ફકત હોદ્દાઓની ફેરબદલી માંજ રસ કેમ ?
APMCના નિયમો પ્રમાણે બે ટર્મ પ્રમુખ રહી ચુકેલા વ્યક્તિ ત્રીજી ટર્મ પ્રમુખ ન થઇ શકે, તેથી સાવલીના APMCના પ્રમુખ બદલાયા
નિરીક્ષકોની હાજરી માં લેવાયેલા સેન્સ પહેલા જ નામો લગભગ નક્કી હતા. ધારાસભ્યની પસંદગી પર સંગઠને ફક્ત સિક્કા માર્યા!
પક્ષ-અપક્ષના રાજકારણ પહેલા સહકારનું અસ્તિત્વ હતું, અને સહકારના લોકસંપર્કથી સ્વયંભુ તૈયાર થયેલા આગેવાનો પક્ષના રાજકારણમાં જોડાતા હતા. હવેના સમયમાં પાર્ટી લાઈનના આધારે સહકારનું રાજકારણ નક્કી થતું થઇ ગયું છે. જ્યાં સંગઠનના હસ્તક્ષેપ બાદ સહકારમાં કોણ આગળ આવશે અને કોણે ઉમેદવારી મળશે તે નક્કી થતું હોય છે. જોકે સાવલીમાં સહકારી ક્ષેત્રમાં કોઈ સ્વયંભુસહકારી નેતા તૈયાર થાય તે શક્ય નથી, કેમ કે અહી સંગઠનનું જોર પણ ચાલતું નથી. અહી ધારાસભ્યની મોહર જ અંતિમ મોહર હોય છે.
સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ પૂરી થવાથી નવી ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવાની હતી. હાલના પ્રમુખ રાજેશભાઈ પટેલ ઉર્ફે રાજુ ખાખરીયાની સતત બે ટર્મ પ્રમુખ પદ પર પૂર્ણ થતી હતી જેથી સહકારી નિયમ પ્રમાણે ત્રીજી ટર્મ તેઓ પ્રમુખ માટે યોગ્યતા પામે તેમ ન હોય પ્રમુખ ઉપપ્રમુખ માટે નવા ચહેરાની પસંદગી કરવાની હતી. આ માટે ધારાસભ્ય જૂથના કમલેશ પટેલ-ગરધીયા, કનક પટેલ- મુખીની દાવેદારી હતી. આં સાથે મૂળ ભાજપ સંગઠન અને RSSની સહકાર ભારતી સંસ્થાના જીલ્લા મહામંત્રી વિવેક પંડ્યાએ પણ પ્રમુખ કે ઉપપ્રમુખ માટે નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી રજુ કરી હતી.
રાજેશ પટેલ-ખાખરીયા APMCના ચેરમેન થયા બાદ તેઓ ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપ બેન્કના પણ ચેરમેન થયા હતા. આ સાથે APMC એક્ટ પ્રમાણે એકધારી ત્રણ ટર્મ ન થઇ શકે તે નિયમના આધારે પરિવર્તન નિશ્ચિત હતું. જેમાં આજે જાહેર થયેલા નામો પ્રમાણે પ્રમુખ પદે કમલેશ પટેલ- ગરધીયા અને ઉપપ્રમુખ પદે ભગવાનસિંહ જાદવનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું. જે બંને નામો ધારાસભ્યની પસંદગીના હતા. ઉપરોક્ત બન્ને હોદ્દામાં ક્યાય કોઈ સંગઠન તરફથી સૂચવેલું નામ પસંદગી પામ્યું ન હતું. સેન્સ પ્રક્રિયા દરમિયાન ચાલતી ચર્ચા પ્રમાણે પહેલાથી જ નામો નક્કી હોવાનું ચર્ચાતું હતું. અને તેજ પ્રમાણે નામોની જાહેરાત થઇ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું હ્હે.
એક તરફ કેન્દ્ર સરકારનું સહકારીતા મંત્રાલય સહકારી ક્ષેત્રમાં અનેક મોટા સુધારાઓ લાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. સહકારી સંસ્થાઓમાં કોઈ એક વ્યક્તિ કે જુથનો એકાધિકાર દુર કરવા માટે ચુંટણી લડવા અને સંસ્થાના વહીવટકર્તા બની રહેવા માટે કડક નિયમો લાવી રહ્યા છે. ત્યારે સરકારના પ્રયત્નોને અનુરૂપ સંગઠન પોતે કોઈ પ્રયોગ કરવા તૈયાર નથી. જ્યાં સહકારમાં નવી પેઢીને તૈયાર કરવાની હોય ત્યાં ગણતરીના નેતાના ઇશારે સત્તાની ટોપીઓ પલટાવવાનો ખેલ ચાલી રહ્યો છે. જયારે જેના માથે સુધારાની જવાબદારી છે તેવું સંગઠન ફક્ત મુકપ્રેક્ષક બન્યું છે. આગામી દિવસોમાં શિનોર APMCની પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી આવી રહી છે ત્યારે ધારાસભ્યની છાત્રછ્યા માંથી બહાર નીકળીને નવી નેતાગીરી તૈયાર કરવાનો પ્રયોગ સંગઠન કારશે કે કેમ તે જોવું રહ્યું!