વડોદરા જીલ્લાના માલપુર ગામે પતિને છોડીને અન્ય પ્રેમી સાથે લગ્ન કરી લીધા બાદ પતિએ ગામમાં આવેલા પ્રેમીની ઠંડા કલેજે હત્યા કરી દીધી હતી. હત્યા કરીને લાશને બિનવારસી ફેંકી દેવામાં આવી હતી. શિનોર પોલીસે 11 દિવસ બાદ નિર્મમ હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જીલ્લાના શિનોર તાલુકાના માલપુર ગામના રહેવાસી ઘનશ્યામ ઉર્ફ ધનીયો ઉર્ફ ગણેશ જયંતિભાઇ વસાવાની પત્ની સંગીતાએ ગામમાં રહેતા 26 વર્ષિય મહેશ ઇશ્વરભાઇ વસાવા સાથે ભાગી જઇ લગ્ન કરી લીધા હતા. અને ભરૂચ જિલ્લાના પાણેથા ગામમાં નવેસરથી સંસારની શરૂઆત કરી હતી.
પત્નીએ છૂટાછેડા આપ્યા વિના જ ગામના અન્ય યુવક સાથે ભાગી જઈને લગ્ન કરી લીધા હોવાની વાત પતિ ઘનશ્યામને આંખમાં કણાની જેમ ખટકતી હતી. જેથી તેણે પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેવા માટેની યોજના ઘડી લીધી હતી. પત્ની નો પ્રેમી માલપુર ગામમાં ક્યારે આવાનો છે તેની માહિતી રાખવા માટે ઘનશ્યામ વસાવાએ તેના મિત્ર શકીલ રમજુશા દિવાનને કામગીરી સોંપી હતી. અને મહેશ ગામમાં આવે તો તરત જાણકારી આપવા જણાવ્યું હતું.
ગત 30 નવેમ્બરના રોજ મહેશ વસાવા મોટરસાયકલ લઈને ભરૂચના ઝગડિયા તાલુકાના પાણેથા ગામથી માલપુર ગામ આવવા માટે નીકળ્યો હતો. અને બપોરના સુમારે ગામમાં આવી ગયો હતો. મહેશ ગામમાં આવ્યો છે. તેવી માહિતી શકીલ દીવાને ઘનશ્યામ વસાવાને આપી હતી. જે માહિતીના આધારે ઘનશ્યામ વસાવા અને તેના ભાઈ સંદીપ ઉર્ફે ગોગો વસાવાએ મહેશ ગામ માંથી બહાર નીકળતાની સાથે જ તેનો પીછો કર્યો હતો.
મહેશ મોટરસાયકલ પર સાધલીથી સુરાશામળ તરફ જઈ રહ્યો હતો. ત્યારે કાર લઈને પીછો કરતા ઘનશ્યામ અને સંદીપે તેની મોટરસાયકલને પાછળથી ટક્કર મારીને અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં મહેશ વસાવાને રોડ પર ફંગોળાઈને પડતા ગંભીર ઈજાઓ પહોચી હતી.
હત્યારા ઘનશ્યામ અને સંદીપે કાર માંથી ઉતરીએ ખાતરી કરી હતી કે મહેશ જીવે છે કે મારી ગયો!, જોકે અકસ્માત બાદ પણ મહેશ જીવિત હોવાથી ઘનશ્યામ અને સંદીપે ઈજાગ્રસ્ત મહેશને કારમાં બેસાડીને બાઈક પણ સાથે લઇ લીધી હતી. અને ચાલુ કારે જ મહેશને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મહેશ મોતને ભેટ્યા બાદ તેની લાશ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામની સીમમાં આશિષ ઉર્ફ ચિરાગ પટેલના શેરડીના ખેતરમાં નાંખી ફરાર થઇ ગયા હતા.
પુરાવાનો નાશ કરવા માટે હત્યારા ભાઇઓએ મહેશની મોટર સાઇકલની આગળ-પાછળની નંબર પ્લેટ કાઢી લઈને માલસર પુલ ઉપરથી નર્મદા નદીમાં નાંખી દીધા હતા. અને મોટર સાઇકલ રાયપુર ગામ પાસે બીનવારસી મૂકી પરત માલપુર પોતાના ગામ આવી ગયા હતા.
બીજી તરફઘનશ્યામ વસાવાને છુટાછેડા આપ્યા વિના મહેશ વસાવા સાથે ઝઘડિયા તાલુકામાં રહેતી મહેશની પ્રેમિકા પત્ની સંગીતાને મહેશ સાંજ સુધી ઘરે નહિ આવતા ચિંતા થવા લાગી હતી. પત્ની સંગીતાએ મહેશ વસાવા ગુમ થયો હોવાની ફરિયાદ શિનોર પોલીસ મથકે આપી હતી. અને ભૂતકાળના પતિ અને હાલના પતિ વચ્ચે અણબનાવ હોવાની માહિતી પણ પોલીસને આપી હતી. સંગીતાએ પોતે ભાગીને લગ્ન કર્યા હોવાથી પૂર્વ પતિ પર શંકા વ્યક્ત કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. આ અરસામાં નાંદોદ તાલુકાના નાવરા ગામની સીમમાંથી મહેશ વસાવાનો મૃતદેહ મળી આવતા પોલીસને હત્યાની શંકા મજબુત થઇ હતી.
શિનોર પોલીસે આ ગુનામાં મહેશ વસાવાના હત્યારા પૂર્વ પતિ ઘનશ્યામ ઉર્ફ ધનીયો ઉર્ફ ગણેશ જયંતિભાઇ વસાવા, તેના ભાઇ સંદિપ ઉર્ફ ગોગો જયંતિભાઇ વસાવા અને મહેશની બાતમી આપવાની મહત્વની ભૂમિકા ભજવનાર શકીલ મરજુસા દિવાન સામે અપહરણ, હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.