- નગર પાલિકા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા નિરીક્ષક જાનવીબેન વ્યાસ અને સનમ પટેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા
તાજેતરમાં કરજણ નગર પાલિકા સહિત અનેક પાલિકા તથા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપને ભવ્ય જીત મળી હતી. આ બાદ કરજણ નગર પાલિકાના પ્રમુખની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે માટે નિરીક્ષકો વહેલી સવારથી જ આવી પહોંચ્યા છે. આ તકે ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છે.
તાજેતરમાં કરજણ નગર પાલિકામાં ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઇ છે. તે બાદ હવે કરજણ નગર પાલિકા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાગ લેવા માટે પ્રદેશ દ્વારા નિયુક્ત નિરીક્ષક જાનવીબેન વ્યાસ અને સનમ પટેલ વડોદરા જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળીયા અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ હાજર રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે રોસ્ટર અનુસાર, સામાન્ય કેટેગરીમાંથી આવતા મહિલાના ફાળે આ પદ જશે. નિલમબેન ચવડા, લીલાબા અટાલિયા, ઉર્વશીબેન સિંધા, નેહાબેન શાહ, અને જ્યોતિબેન ચાવડા રોસ્ટર મુજબની લાયકાત ધરાવે છે.
કરજણથી ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલે મીડિયાને જણાવ્યું કે, કરજણ નગર પાલિકાની ચૂંટણીના પરિણામો તમે જોયા છે. ભાજપ સ્પષ્ચ બહુમતિ સાથે પોતાનું બોર્ડ રચવા જઇ રહ્યું છે. તેની પ્રક્રિયાના ભાગરૂપે આજે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલું છે. નગર પાલિકા પ્રમુખના ઉમેદવાર સામાન્ય અને મહિલાના છે, તેઓ સેન્સ પ્રક્રિયામાં ભાગ લઇ રહ્યા છે. કરજણ નગર પાલિકામાં વિકાસ ચાલી રહ્યો છે. તેનાથી તિવ્ર ગતિથી વિકાસ થાય તેવા પ્રમુખ અમે ઇચ્છી રહ્યા છીએ.