હાલના જીલ્લા ભાજપ પ્રમુખ સહીત અન્ય પ્રબળ દાવેદારો એક સમયે બળવાખોર થયા હોવા છતાંય ફોર્મ સ્વીકાર્યાનો અસંતોષ છલક્યો
ચુંટાયેલા પ્રતિનિધિઓએ પણ ઉમેદવારી નોંધાવી આંકડો 55એ પહોચાડ્યો,
ભાજપના જ નીતિનિયમો પ્રમાણે ફોર્મ ન ભરી શકનાર ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી અને ચુંટણી અધિકારીએ સ્વીકારી પણ લીધી
જીલ્લા ભાજપમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 10-12 નહિ પણ 55 જેટલા ઉમેદવારોએ જીલ્લા ભાજપ અધ્યક્ષ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભાજપે જાહેર કરેલા નિયમોને અવગણીને પણ લોકોએ હોશે હોશે ઉમેદવારી નોંધાવી છે. જોકે ચુંટણી અધિકારીએ પણ તમામ ફોર્મ સ્વીકારી લઈને ફાઈનલ યાદી પ્રદેશમાં મોકલી આપવાની તજવીજ શરુ કરી છે.
પક્ષના નક્કી કરેલા નિયમોમાં જો યોગ્યતા બેસતી હોય તો “સેલ્ફ ડેકલેરેશન” સાથે ઉમદવારી ફોર્મ ભરવા માટે સુચન કર્યું હતું. જોકે હરખઘેલા આગેવાનોએ યોગ્યતાના નિયમોને સમજ્યા વિના જ ઉમેદવારી નોંધાવી દીધી છે. બીજી તરફ સેલ્ફ ડેકલેરેશનને કારણે ઉમેદવારે ભરેલી વિગતો સાચી છે કે ખોટી તેની કોઈ ચકાસણી થાય તેવી શક્યતાઓ નથી. ગુનાહિત પ્રવૃત્તિ ન હોવી જોઈએ , ભ્રષ્ટાચારના આક્ષેપો ન હોવા જોઈએ, પરિવારમાં એક વ્યક્તિ એક હોદ્દાનું પાલન થવું જોઈએ,સસ્પેન્ડ થયેલા ન હોવા જોઈએ આવા અનેક નિયમો બે દિવસ પહેલા જ જાહેર કરવામાં આવ્યા છે. છતાંય “સેલ્ફ ડેકલેરેશન”માં આવા નિયમોને કારણે કપાઈ જતા ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી દીધી છે.
આવી પ્રક્રિયાને કારણે એકબીજાના પ્રતિસ્પર્ધીઓ અને વિરોધીઓ હવે ઉમેદવારોની ઉમેદવારીને પડકાર ફેંકતા મેસેજો પક્ષના પ્રદેશ કક્ષાના નેતાઓ અને મીડિયા સુધી પહોચાડી રહ્યા છે. જેમાં હાલના જીલ્લાના એક હોદ્દેદાર પણ બાકાત રહ્યા નથી. ભૂતકાળમાં તે હોદ્દેદાર પર IPC 467,468,465 હેઠળ ગુન્હો નોંધાયો હોવા છતાંય ઉમેદવારી કરી હોવાના મેસેજ વહેતા થયા છે. જયારે અન્ય કેટલાક ઉમેદવારોએ પણ ભૂતકાળના ગુન્હાહિત ઈતિહાસને છુપાવીને ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાના સંદેશા પ્રદેશ નેતાઓ સુધી પહોચતા કર્યા છે.
Advertisement
જીલ્લા પંચાયત સભ્ય તરીકે ચુંટાઈને હાલ સુધી હોદ્દો ભોગવતા હોવા છતાય કેટલાક ઉમેદવારોએ પ્રબળ દાવેદારી કરી હોવાના કિસ્સાઓ સપાટી પર આવ્યા છે. જયારે કેટલાક તો પક્ષ માંથી સસ્પેન્ડ થયા બાદ ફરી વાર પક્ષમાં જોડાયા હોવા છતાંય ઉમેદવારી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 55 માંથી કેટલાક ઉમેદવારોના પોતાના બુથ માઈનસમાં ખુલ્યું હોવા છતાંય જીલ્લા ભાજપ અધ્યક્ષ બનવાના સપના જોતા હોવાની વાતે પણ ગણગણાટ શરુ કર્યો છે.
મહત્વનું છે કે , જીલ્લા માંથી 55 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જાહેર કરતા જ હાલના સંગઠન સામેના અસંતોષના પુરાવા પણ સામે આવી ગયા છે.હાલના જીલ્લા અધ્યક્ષ સતીષ પટેલના નિકટના કહેવાતા અનેક આગેવાનોએ પણ સતીષ પટેલ રીપીટ ન થાય તેવી ઈચ્છા સાથે પોતાની ઉમેદવારી નોંધાવતા હવે એકબીજાની છબીને નુકશાન પહોચાડવાનો ખરો ખેલ શરુ થયો છે.