ઉદ્ધત વર્તન:પાણીની ગંભીર સમસ્યા માટે રજૂઆત કરવા ગયેલા વૃદ્ધને ધારાસભ્ય કેયુર રોકડિયાએ જાહેરમાં અપમાનિત કર્યા.
વહીવટી નિષ્ફળતા:2024 થી અનેક રજૂઆતો અને CMO ના આદેશ છતાં 23 સોસાયટીઓને દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ મળ્યો નથી.
અધિકારીઓની રમત:25 વખત પાણીના સેમ્પલ લેવાયા છતાં અધિકારીઓ માત્ર ઠાલા આશ્વાસનો આપીને ફાઈલો દબાવી રહ્યા છે.
જનતામાં રોષ:સત્તાધારી પક્ષના નેતાઓના આ વલણ સામે સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં ભારે ફિટકાર વરસી રહ્યો છે.
વડોદરામાં એક તરફ સરકાર ‘જન કલ્યાણ’ના દાવા કરે છે, તો બીજી તરફ વડોદરાના નિઝામપુરામાં યોજાયેલી ‘જન કલ્યાણ શિબિર’માં જનતા સાથેના દુર્વ્યવહારનો કિસ્સો સામે આવ્યો છે. પાણીની સમસ્યા લઈને રજૂઆત કરવા ગયેલા એક વયોવૃદ્ધ નાગરિકને ધારાસભ્ય કેયુર રોકડિયાએ જાહેરમાં અપમાનિત કરતા સમગ્ર શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે.
નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે યોજાયેલી આ શિબિરમાં બીજેપીના રાજ્યમંત્રી અને ધારાસભ્ય કેયુર રોકડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત હતા. આ દરમિયાન વોર્ડ નંબર-1 ના એક જાગૃત સીનિયર સિટીઝને પ્રયાગ ચોકડી પાસેની જૂની પાઈપલાઈન બદલવા માટે આજીજી કરી હતી. વૃદ્ધે સમજાવ્યું કે લાઈન બદલાય તો 23 સોસાયટીઓને દૂષિત પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે. પરંતુ, નેતાએ સહાનુભૂતિ આપવાને બદલે ઉદ્ધત જવાબ આપતા કહ્યું કે, “ક્યાં પ્રોબ્લેમ છે એ તમારો લુકઆઉટ નથી!”
CMO ના આદેશની પણ અવગણના!
પીડિત વૃદ્ધ વર્ષ 2024 થી તંત્રના ઉંબરા ઘસી રહ્યા છે. મેયરથી લઈને કમિશનર સુધીની રજૂઆતો અને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ના આદેશ છતાં વડોદરાના ભ્રષ્ટ અને આળસુ તંત્રના પેટનું પાણી હલતું નથી. અત્યાર સુધીમાં 25 વખત પાણીના સેમ્પલ લેવાયા છે, પણ અધિકારીઓ માત્ર ‘એસ્ટીમેટ’ અને ‘મંજૂરી’નું બહાનું કાઢી ફાઈલો દબાવી રહ્યા છે.
🫵હવે આ વૃદ્ધે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વડોદરાનું તંત્ર નહીં જાગે, તો તેઓ ન્યાય માટે છેક દિલ્હી સુધી લડત આપશે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ થતા જ નેતાઓની ‘જનસેવા’ના દાવાઓની પોલ ખુલી ગઈ છે. શું વડોદરાના સત્તાધીશો જનતાની સમસ્યા સાંભળવા માટે જવાબદાર નથી? તેવા સવાલો હવે લોકો પૂછી રહ્યા છે.