ભયાનક અકસ્માત:કોટંબી પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 8 લોકોના કમકમાટીભર્યા મોત.
માસૂમનો જીવ ગયો:9 વર્ષના બાળકની માતાની નજર સામે જ કરુણ મોત નિપજ્યું.
બે પિતાઓએ જીવ ગુમાવ્યા:લક્ઝરી બસના ડ્રાઇવર અને ટ્રકના ક્લીનરના મોતથી બે પરિવારો છત્રછાયા ગુમાવી બેઠા.
ભાવભીની વિદાય:પીએમ બાદ તમામ મૃતદેહોને વતન રાજસ્થાન રવાના કરવામાં આવ્યા, પરિવારોમાં આક્રંદ.
વડોદરા: હાલોલ-વડોદરા હાઇવે પર કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક પુરપાટ ઝડપે દોડતી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલી ભયાવહ ટક્કરમાં ડ્રાઇવર અને ક્લીનર સહિત કુલ 8 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ અકસ્માતે અનેક પરિવારોના માળા વિંખી નાખ્યા છે, જ્યારે બસમાં સવાર અન્ય મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
⚠️માતાની નજર સામે દીકરાનો અંત:
આ અકસ્માતની સૌથી કરુણ ઘટના રાજસ્થાનના ડુંગરપુરના પાયલબેન અને તેમના 9 વર્ષના દીકરા પ્રીતની છે. બીમાર પ્રીતની સારવાર કરાવીને માતા તેને સુરત લઈ જઈ રહી હતી, ત્યારે જ કાળ આંબી ગયો હતો. હોસ્પિટલના બિછાને પડેલી માતા પાયલબેન દીકરાને શોધતા આક્રંદ કરી રહી છે, જે દ્રશ્ય પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની કરી દે તેવું છે. પીએમ રૂમ બહાર પ્રીતની માસી રોશનીબેનનો વિલાપ અને “તારા માટે પાકીટ ભરીને રૂપિયા લાવી છું, પાછો આવી જા” તેવા શબ્દોએ હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો.
🙏પિતાની છત્રછાયા ગુમાવતા માસૂમો:
આ અકસ્માતે એવા બે પરિવારોનો મોભી છીનવી લીધો જેઓ મિત્રો પણ હતા. છેલ્લા 20 વર્ષથી ડ્રાઇવિંગએ કરતા લક્ઝરી બસના ડ્રાઇવર મુકેશભાઈનું મોત નીપજતા તેઓ પોતાની ત્રણ દીકરીઓને નોંધારી મૂકી ગયા છે. બીજી તરફ, ટ્રકના ક્લીનર સુરેશભાઈએ પણ સારવાર દરમિયાન દમ તોડ્યો છે, જેઓ પોતાના પાછળ બે દીકરાઓને મૂકી ગયા છે. બે પિતાઓએ પોતાના માસૂમ બાળકોનું ભવિષ્ય અધવચ્ચે મૂકીને આ દુનિયામાંથી વિદાય લીધી છે.
🗣️વતન રવાના કરાયા મૃતદેહો:
તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યા બાદ સાંજે અત્યંત ભાવભીની આંખે તેમને વતન રાજસ્થાન રવાના કરવામાં આવ્યા હતા. પ્રીતના પિતા કુવૈતથી વતન જવા રવાના થયા છે. હાલ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. કાયદાકીય પ્રક્રિયા બાદ હવે આ પરિવારો પાસે જીવનભરનું ક્યારેય ન પુરાય તેવું દુઃખ અને આંસુ સિવાય કંઈ બાકી નથી રહ્યું.