શહેર આરોગ્ય વિભાગે નાગરિકોને સતર્ક રહેવાની અપીલ સાથે સ્વચ્છતા જાળવવા તથા મચ્છર નિયંત્રણ માટેના ઉપાયોને અનુસરવા વિનંતી કરી છે.
- શહેરના વિવિધ વિસ્તારોમાં તાવ, ડેંગ્યુ, ટાઈફોઈડ તેમજ ઝાડા-ઉલ્ટીના કેસોમાં સતત વધારો.
- ગતરોજ કુલ 31,227 ઘરોની 1.34 લાખ વસ્તીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ અભિયાન દરમિયાન ડેંગ્યુના 70 શંકાસ્પદ દર્દીઓ
- માત્ર એક જ દિવસમાં 961 તાવના કેસો મળી આવ્યા હતા. સાથે જ ઝાડાના 39 કેસ નોંધાયા.
વડોદરા શહેરમાં હાલ બેવડી ઋતુ ચાલી રહી છે, જેના કારણે તાવ અને અન્ય ચેપી રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં તાવ, ડેંગ્યુ, ટાઈફોઈડ તેમજ ઝાડા-ઉલ્ટીના કેસોમાં સતત વધારો થવા લાગ્યો છે. આરોગ્ય વિભાગ સતર્ક બનીને મેદાને ઉતર્યું છે અને ઘર-ઘર સર્વે હાથ ધર્યો છે.
શહેરના આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ કુલ 31,227 ઘરોની 1.34 લાખ વસ્તીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ અભિયાન દરમિયાન ડેંગ્યુના 70 શંકાસ્પદ દર્દીઓની તપાસ કરાઈ હતી, જેમાંથી ગોરવા, દંતેશ્વર અને મકરપુરા વિસ્તારમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તદુપરાંત ટાઈફોઈડના 41 શંકાસ્પદ દર્દીઓની તપાસ દરમ્યાન સુભાનપુરા અને ગોરવામાંથી 2 કેસ મળી આવ્યા હતા.
ઋતુ બદલાતા તાવના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. માત્ર એક જ દિવસમાં 961 તાવના કેસો મળી આવ્યા હતા. સાથે જ ઝાડાના 39 કેસ નોંધાયા હતા, જેનાથી શહેરમાં રોગચાળો ફેલાતાની ચિંતાઓ વધી છે. આરોગ્ય વિભાગની ટીમોએ શહેરની વિવિધ જગ્યાએ 45 સાઈટની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સફાઈ અને પાણી ભરાવાને કારણે મચ્છર પ્રજનનની શક્યતા ધરાવતી 3 સાઈટને નોટીસ ફટકારવામાં આવી હતી.
શહેરના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, હાલના હવામાનમાં મચ્છરજન્ય રોગો ઝડપથી ફેલાય છે, તેથી નાગરિકોએ ઘરમાં અને આસપાસ પાણી જમા થવા દેવું નહીં, તેમજ તાવ કે શરીર દુખાવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જોઈએ. પાલિકા આરોગ્ય વિભાગે નાગરિકોને સતર્ક રહેવાની અપીલ સાથે સ્વચ્છતા જાળવવા તથા મચ્છર નિયંત્રણ માટેના ઉપાયોને અનુસરવા વિનંતી કરી છે.