વડોદરા જિલ્લાના ભાયલી ગામે દેશી ઘી વેચવા માટે આવેલ બે મહિલાઓ પાસે થી સુથાર ફળિયામાં રહેતી મહિલાને 2 કિલો ઘી ખરીદ્યુ મોંઘુ પડ્યું છે ઘી વેચવા માટે આવેલ ભેજાબાજ ઠગ મહિલાઓએ દંપતીને ખાડો ખોદતાં મળી આવેલ સોના-ચાંદીના સિક્કા દેખાડી વિશ્વાસમાં લઇ સોનાના સિક્કા સસ્તામાં વેચી દેવાનું હોવાનું જાણવતા લાલચમાં આવી ગયેલ દંપતીએ સસ્તામાં સોનાના સિક્કા ખરીદવા ઠગ મહિલાઓને ઘરમાં મુકેલ રોકડ રૂપિયા 3.75 લાખ તેમજ ઘર માંથી સોનાની તૂટેલી ચીજવસ્તુઓ સહિત કુલ રૂપિયા 5.60 લાખ આપતા ઠગ મહિલાઓ નકલી સોનાના સિકકા દંપતીને આપી ફરાર થઇ ગઈ હતી જે અંગે ભોગ બનનાર મહિલાએ ઠગ મહિલાઓ વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના ભાયલી ગામના સુથાર ફળિયામાં પરિવાર સાથે રહેતા 42 વર્ષીય તારાબહેન ઉર્ફ તેજલબહેન હિમેશભાઇ મિસ્ત્રી ગત તા.30 ડિસેમ્બરના રોજ બપોરના સમયે તેમના સાસુ ગીતાબહેન સાથે ઘરે હતા. તે દરમિયાન ફળિયામાં દેશી ઘી વેચવા માટે બે મહિલાઓ આવતા તારાબહેનને ઘર વપરાશ માટે ઘી લેવાનું હોય ઘી વેચવા આવેલી મહિલાઓને ઘરે બોલાવી હતી અને તેમની પાસેથી તારાબહેને 2 કિલો ઘી ખરીદી મહિલાઓને ઘીના રૂપિયા 1000 ચૂકવ્યા હતા દરમિયાન ઘી વેચવા આવેલ બે મહિલાઓએ અમો ભૂખ્યા છે જમવાનું હોય તો આપો તેમ જાણવતા તારાબહેનને દયા આવતા બંને મહિલાઓને જમાડ્યા હતા
બને મહિલાઓએ જમ્યા બાદ તારાબહેનને જણાવ્યું કે, તમે અમને જમાડ્યા છે જેથી અમારે તમારું ઋણ ચૂકવવું પડે. તમે અમને એક બોટલ આપો આવતીકાલે તેમાં અમે દૂધ લઇને આવીશું જેથી તારાબહેને પ્લાસ્ટીકનો ડબ્બો આપતા બંને મહિલા ડબ્બો લઇને ચાલ્યા ગયા હતા. અને બીજા દિવસે તા. 31 ડિસેમ્બરના રોજ બપોરના સમયે બંને મહિલાઓ દૂધ લઇને તારાબહેનના ઘરે ફરી આવી હતી. અને બે મહિલા પૈકી એક મહિલાએ પોતાની સાડીના છેડામાં બાંધેલો એક સિક્કો તારાબહેનના પતિ હિમેશભાઇ મિસ્ત્રી અને તારાબહેનને આપ્યો હતો. મહિલાએ દંપતિને જણાવ્યું હતું કે, અમારા શેઠની મોટા રોડ નજીક ગૌશાળા છે. ત્યાં દૂધમાંથી માવો બનાવવા માટેનો ચુલો કરવા ખાડો ખોદી રહ્યા હતા. તે સમયે સોના-ચાંદી જેવી વસ્તુ ભરેલો લોટો મળી આવ્યો છે.
ઠગ મહિલાઓએ હિમેશભાઇ મિસ્ત્રીને વિશ્વાસમાં લેવા માટે જણાવ્યું હતું કે, આ સોના-ચાંદી જેવી મળેલી આવેલ વસ્તુનું શું કરવું તેની અમને ખબર પડતી નથી. તે દરમિયાન અન્ય બે મહિલાઓ ઘરમાં આવી પહોંચી હતી. અને સોના જેવા દેખાતા સિક્કા ભરેલી પ્લાસ્ટીકની થેલી મિસ્ત્રી દંપતિ સામે મૂકી દીધી હતી. અને આ સાચા છે કે ખોટા તેની અમને ખબર પડતી નથી. અને કોઈ સોનીને પણ અમે જાણતા નથી જેથી તમે આ સિક્કા લઇ અમને થોડા પૈસા આપી દો તેમ જણાવી અન્ય મહિલાએ તરત રૂપિયા 10 લાખની માંગણી કરી હતી
જોકે આટલી મોટી રકમ ઘરમાં ના હોય હિમેશભાઇએ ઠગ મહિલાઓને જાણવ્યું હતું કે, હાલ ઘરમાં માત્ર રોકડા રૂપિયા 3.75 લાખ જ છે. જેથી મહિલાઓએ આ રકમ ખુબ ઓછી હોવાનું જણાવી જે રોકડ ઘરમાં પડી છે તે અમોને આપી દો અને બાકીના રૂપિયાની બે દિવસમાં વ્યવસ્થા કરી રાખજો. અને ઘરમાં સોનાની તૂટેલી વસ્તુઓ હોય તે પણ અમને આપી દો. જેથી મિસ્ત્રી દંપતિએ ઠગ મહિલાઓને ઘરમાં મુકેલ રોકડા રૂપિયા 3.75 લાખ સહિત બાળકોની તૂટેલી સોનાની 5 વિંટી, તારાબહેનની 1 તોલાની ચેઇન, હિમેશભાઇની 12 ગ્રામની સોનાની લકી, 10 ગ્રામની લેડીઝને પહેરવાની સોનાની લકી સહિત કુલ રૂપિયા 5.60 લાખનો મુદ્દામાલ આપી દીધો હતો.
ઠગ મહિલાઓએ સોનાના અસલી દાગીના અને રોકડ રકમના બદલે સોનાના સિક્કા આપી રફૂચક્કર થઇ ઇ હતી. દંપતિએ સોના જેવા દેખાતા સિક્કાની ચકાસણી કરાવતા સિક્કા નકલી હોવાનું જણાઇ આવતા દંપતિ સ્તબ્ધ થઇ ગયું હતું. અને સમગ્ર મામલે તારાબહેન ઉર્ફ તેજલબહેન હિમેશભાઇએ મિસ્ત્રીએ ત્રણ ઠગ મહિલાઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ઠગ મહિલાઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાંથી CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે.