જીલ્લાના સ્નેહમિલન સંમેલનમાં મુખ્યમંત્રી,ઉપમુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષની સમાંતર રસિકભાઈની તસ્વીરો જોવા મળી
પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલા ફોર્મેટમાં ફક્ત વડોદરા જીલ્લા માંજ સુધારો કરીને રસિકભાઈને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું?
શું વડોદરા સહિત રાજ્યભરમાં યોજાતા સ્નેહમિલન કાર્યક્રમોમાં રસિકભાઈની તસ્વીર પણ પ્રકાશિત થશે!
ભારતીય જનતા પાર્ટીમાં લોટરી લાગી હોય તેમ નેતાઓની કિસ્મત બદલાઈ જાય છે. અને અચાનક તેઓને ઉંચુ સ્થાન પણ મળી જાય છે. ભાજપમાં જીલ્લા અધ્યક્ષ પદે છ મહિના પહેલા રસિકભાઈ પ્રજાપતિને સ્થાન મળ્યું હતું. આ હોદ્દા બાદ તેઓની કામગીરી અને કાર્યશૈલીથી તેમની ગણતરી પ્રદેશ કક્ષાના નેતાઓમાં થવા માંડી છે!
હાલ નુતનવર્ષના સ્નેહમિલન કાર્યક્રમોની રૂપરેખા જાહેર થઈ છે. જેમાં જીલ્લા પંચાયત બેઠક અને નગરપાલિકામાં સ્નેહમિલન સંમેલનો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો માટે બોર્ડ તૈયાર કરવા માટેના એક ફોર્મેટ પ્રદેશ દ્વારા મોકલવામાં આવ્યું છે. જે ફોર્મેટના આધારે નેતાઓની તસવીરો ગોઠવવાની હોય છે. બેનર કે આમંત્રણમાં પ્રદેશ ભાજપના ફોર્મેટ પર ડાબી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી,ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની તસ્વીર હોય છે. જ્યારે જમણી બાજુએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની તસ્વીર હોય છે.
આ ફોર્મેટમાં તસ્વીરો પ્રસિદ્ધ કર્યા બાદ સ્નેહમિલન કાર્યકમની વિગતો બેનર કે આમંત્રણમાં પ્રસિદ્ધ કરવાની હોય છે. જોકે સમગ્ર રાજ્યમાં ફક્ત વડોદરા જીલ્લા ભાજપ અધ્યક્ષને મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્માની શ્રેણીમાં સ્થાન મળ્યું છે. સ્નેહમિલન કાર્યક્રમમાં જીલ્લા ભાજપ અધ્યક્ષની તસ્વીર પ્રદેશ કક્ષાના નેતાઓની શ્રેણીમાં જોવા મળે છે. જે વડોદરા માટે ગર્વની વાત છે.
અનગઢ જીલ્લા પંચાયત અને પોર જીલ્લા પંચાયતના બેનરમાં રસિકભાઈને પ્રદેશ સમકક્ષ સ્થાન મળ્યું
જીલ્લામાં સૌ પ્રથમ 28 તારીખે અનગઢ જીલ્લા પંચાયત બેઠકમાં યોજાયેલા સ્નેહમિલન સંમેલનમાં પ્રદેશ કક્ષાના નેતાઓને સમકક્ષ રસિકભાઈ પ્રજાપતિની તસ્વીર જોવા મળી હતી, હવે ત્યાર બાદ શેરખી, પોર જીલ્લા પંચાયત બેઠકના સ્નેહમિલનમાં પણ જીલ્લા અઘ્યક્ષની ગણતરી મુખ્યમંત્રી અને પ્રદેશના નેતાઓની શ્રેણીમાં કરવામાં આવી છે.
શેરખી જીલ્લા પંચાયતના આમંત્રણ અને મંચ પર લાગેલા બેનરમાં રસિકભાઈ પ્રજાપતિને અલગ અલગ સ્થાન મળ્યું!
મહત્વની વાત એ છે કે, પ્રદેશ દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમો એક સમાન થાય તે માટે રાજ્યના તમામ શહેર જીલ્લાઓમાં પ્રદેશ માંથી તૈયાર કરેલી ડિઝાઇન મોકલવામાં આવી છે. જેમાં “હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશી” આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની થીમ પ્રમાણે સ્નેહમિલન કાર્યક્રમ કરવાનું સૂચવવામાં આવ્યું છે.
સંભવતઃ પ્રદેશ ભાજપ માંથી આપવામાં આવેલું ફોર્મેટ
જો રસિક પ્રજાપતિની તસ્વીર પ્રેદશ ભાજપના ફોર્મેટ પ્રમાણે જગદીશભાઈ વિશ્વકર્માની બાજુમાં જ ગોઠવીને મોકલવામાં આવી હોય તો હવે વડોદરા જીલ્લા ભાજપ અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિને પ્રદેશ કક્ષાના નેતાઓની શ્રેણીમાં સ્થાન મળી ગયું હશે! અને વડોદરા સહિત રાજ્યભરમાં યોજાતા સ્નેહમિલન કાર્યક્રમોમાં રસિકભાઈની તસ્વીર પણ પ્રકાશિત થશે! અથવા તો પોતાનું કદ મોટુ કરવા પ્રેદેશ ભાજપના સુચનોને અવગણીને પ્રદેશના નેતાઓની બાજુમાં ફોટો મૂકીને મોટા ગજાના નેતા બનવાનો લુલો પ્રયત્ન કરવામાં આવ્યો હશે!