(મૌલિક પટેલ -એડિટર)વડોદરા જીલ્લામાં સંગઠનની રચનાનો સમય પાકી ગયો છે. પ્રદેશની નેતાગીરીએ બક્ષી પંચ મોરચામાં વર્ષોથી કામગીરી કરતા રસિકભાઈ પ્રજાપતિને જીલ્લા અધ્યક્ષની જવાબદારી સોપીને સમગ્ર જિલ્લાને ચોંકાવી દીધા હતા. વર્ષો બાદ જીલ્લા ભાજપનું સુકાન OBC આગેવાન પાસે આવતા જીલ્લાના રાજકીય સમીકરણોમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. જ્યાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના એકધારા વર્ચસ્વ પર હાલ પુરતું અપ્લવિરમ મુકાયું છે. ત્યારે હવે મહામંત્રીના સ્થાને ગોઠવાઈ જવા માટે જીલ્લાના અનેક નેતાઓ તલ પાપડ થઇ રહ્યા છે.
મહામંત્રીઓનું મહત્વ અને જવાબદારી કેટલી?
ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રીના હોદ્દાની અનેક ઘણી મોટી જવાબદારી હોય છે. મહામંત્રીને પ્રદેશ માંથી આવતા કાર્યક્રમોનું યોગ્ય આયોજન કરીને તેના અમલીકરણની જવાબદારી નિભાવવાની હોય છે. આ સાથે પક્ષની પ્રવૃતિઓ બુથ લેવલ સુધી પહોચાડવામાં પણ મહામંત્રીનો સિંહફાળો હોય છે. સંગઠનનો વ્યાપ વધારવો અને નવા કાર્યકરો તેમજ સમાજ ઉપયોગી વ્યક્તિઓને પાર્ટીમાં જોડવાની જવાબદારી મહામંત્રીએ નિભાવવાની હોય છે. ચુંટણી લક્ષી કામગીરીમાં પણ મહામંત્રીને આગવું સ્થાન મળે છે. સ્થાનિક સ્વરાજની ચુંટણી હોય કે , સહકારી ચુંટણીઓ મહામંત્રીને પ્રભારી તરીકે પણ જવાબદારી સોંપાય છે. જ્યાં જીલ્લા અને તાલુકા પંચાયતોની ચુંટણી સમયે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં જીલ્લાના મહામંત્રીઓ પણ અપેક્ષિત યાદીમાં સ્થાન પામે છે.
મહામંત્રી પદ મેળવવાની લાયકાત શું?
ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રીના પદનું મહત્વ ઉપર વાંચ્યા પ્રમાણે ખુબ મહત્વનું હોય છે.જેને મેળવવા માટે લાયકાત હોવી પણ જરૂરી છે. ભાજપમાં મહામંત્રી પદ મેળવેલા વ્યક્તિઓ ભવિષ્યમાં પ્રદેશમાં પણ સ્થાન પ્રાપ્ત કરે છે અને પ્રાદેશિક અને રાષ્ટ્રીય જવાબદારી નિભાવવા માટેની યોગ્યતાઓ શહેર જીલ્લાના મહામંત્રી પદ પર રહીને કરેલી કામગીરીના આધારે નક્કી થાય છે. મહામંત્રી બનવા માટે સૌ પ્રથમ આર્થિક મજબૂતી જરૂરી છે. કેમકે પદ મેળવ્યા બાદ તેનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરીને આર્થિક ફાયદો મેળળવા માંગતા લોકોને પક્ષ આ સ્થાન આપતું નથી. વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર હોય તો અનૈતિક વિષયોમાં ન પડે તે સીધું ગણિત છે!
આ સાથે પક્ષની કામગીરી માટે સમય આપવાની ક્ષમતા પણ જરૂરી છે. જ્યાં ફક્ત હોદ્દાનું બોર્ડ લગાવીને બજારમાં રૂઆબ છાંટનારા કાર્યકરોને સ્થાન મળતું નથી. મહામંત્રી પદના વ્યક્તિ પક્ષની વિચારધારા લોકો સુધી પહોચાડી શકે તે માટે પ્રખર વકતા અને વિચારધારાને આધારિત વ્યક્તિત્વ હોવું જરૂરી છે. આ સાથે રાજકીય અનુભવ અને સમજણના આધારે પણ મહામંત્રી પદ મળી શકે છે. ભાજપ અને RSS પરિવારમાં ભૂતકાળમાં મહત્વની જવાબદારી ધારણ કરનારની પ્રથમ પસંદગી થતી હોય છે. જેમાં RSS, VHP, બજરંગ દળ, ABVP, સહકાર ભારતી,સેવા ભારતી અને રાષ્ટ્રીય મઝદૂર સંઘ જેવી સંસ્થાઓમાં જવાબદારી નિભાવી હોય તેના પણ પરિબળો ધ્યાને રાખવામાં આવે છે.
મહામંત્રી માટે જ્ઞાતિગત સંતુલન કેમ જરૂરી?
ભાજપ હંમેશા જ્ઞાતિગત સંતુલન જાળવીને જવાબદારીઓની સોપણી કરે છે. જ્યાં ભૂતકાળમાં જીલ્લા પ્રમુખ તરીકે પટેલને જવાબદારી મળી હતી. ત્યાં મહામંત્રી પદ પર બી.જે બ્રહ્મભટ્ટ(OBC), યોગશ અધ્યારુ(બ્રાહ્મણ), સતીષભાઈ મકવાણા(ક્ષત્રિય) એમ તમામ જ્ઞાતિગત સંતુલન જાળવીને હોદ્દાઓ આપવામાં આવ્યા હતા. ગત ટર્મમાં જીલ્લા અધ્યક્ષ બદલાયા હતા પણ જીલ્લાના મહામંત્રીઓની જવાબદારી એક સરખી રહી હતી. હાલ વર્ષો બાદ બક્ષીપંચ માંથી જીલ્લા અધ્યક્ષ મળ્યા છે. ત્યારે તેઓની ટીમમાં મહામંત્રી પદ પર પટેલ,ક્ષત્રિય, બ્રાહ્મણ અને OBCને સ્થાન મળી શકે છે. ચાર માંથી ત્રણ જ્ઞાતિ પ્રમાણે હોદ્દાઓ મળે તેવી શક્યતાઓ છે. જયારે અહિયાં જ્ઞાતિ પ્રમાણેની દાવેદારો અને સંભવિતોની યાદી જાહેર કરી છે.
ક્ષત્રિય સંભવિતો
- ઇન્દ્રજીતસિંહ ચુડાસમા (વડોદરા તાલુકો)
- જયદીપસિંહ ચૌહાણ (કરજણ)
- નટવરસિંહ સોલંકી (સાવલી)
- દિલીપસિંહ પરમાર (વડોદરા તાલુકો)
બ્રાહ્મણ સંભવિતો
- યોગેશ અધ્યારુ (પાદરા નગર)
- નિલેષ પુરાણી (વાઘોડિયા)
- ધર્મેશ પંડ્યા ( વાઘોડિયા)
- અમરીશ પંડ્યા (કરજણ નગર)
પાટીદાર સંભવિતો
- અશોક પટેલ (વડોદરા તાલુકો)
- પીનાકીન પટેલ (પાદરા)
- સુનીલ પટેલ (સાવલી)
- સચિન પટેલ (શિનોર)
- પાર્થિવ પટેલ (વડોદરા તાલુકો)
બક્ષીપંચ સંભવિતો
- રાજેન્દ્ર પટેલ-ચૌધરી (વાઘોડિયા)
- ગોપાલભાઈ રબારી (વડોદરા તાલુકો)
- મહેશભાઈ રબારી ( કરજણ )
- દર્શિત બ્રહ્મભટ્ટ (સાવલી નગર)
- દેવેન્દ્ર પાટણવાડિયા (વડોદરા તાલુકો)
અનુસુચિત જાતિ સંભવિત
નરેન્દ્ર રોહિત
આ તમામ નામોમાં તેઓની યોગ્યતા અને અયોગ્યતા(નબળાઈ) અંગે વિગતવાર સીરીઝ પ્રકાશિત થશે.કોની કેવી ગોઠવણ છે? કોણ કેટલી ક્ષમતા ધરાવે છે? કોણ હોદ્દો મળતાની સાથે રંગરૂપ બદલી શકે છે? ધારાસભ્યો પ્રત્યે કેટલા વફાદાર રહેશે? તેવી તમામ બાબતો પ્રકાશિત થશે. દિવાળી પૂર્વે સંગઠનની રચના માટેની જાહેરાત થઇ શકે છે. જયારે જીલ્લા અધ્યક્ષ વતી સંગઠનમાં પ્રાણ પુરવાનું કામ કરતા મહામંત્રીની જવાબદારી ખુબ મહત્વની રહેશે.